૧૮ થી વધુ વય જૂથના નાગરિકો માટે નિ: શુલ્ક કોવિડ રસીકરણ અભિયાનના શુભારંભ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિ
કોરોના રસીકરણને વધુ વેગવાન બનાવવા સમગ્ર રાજ્યમાં નિ:શુલ્ક કોરોના રસીકરણ અભિયાનનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ સ્થિત પંડિત દિનદયાળ ઓડિટોરિયમમા નિઃશુલ્ક રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનના શુભારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અમિતભાઈ શાહે રાજ્યના નાગરિકોને રસીકરણનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે સમગ્ર દેશમાં ૧૮ થી વધુ વયના નાગરિકો માટે રસીકરણ નિશુલ્ક કરી રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના સામે રસીકરણ એ જ અમોઘ શસ્ત્ર છે અને રસીકરણથી જ આપણે કોરોના સામે વિજય પ્રાપ્ત કરી શકીશું.
૨૧ જૂન ને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતાં ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે, નાગરિકોને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે તે માટે પ્રધાનમંત્રીએ રસીકરણનો વ્યાપ વધારવા માટે નિશુલ્ક રસીકરણનો અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે. તેમણે પ્રધાનમંત્રીને આ નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યના નાગરિકોને રસીકરણના મહાઅભિયાનમાં સહભાગી થવા માટેની અપીલ પણ કરી હતી. તેમણે નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે, કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવ્યા બાદ સરકારી ગાઈડલાઈન પ્રમાણે નિયત સમયમાં બીજો ડોઝ મેળવી નાગરિકે કોરોના સામેનું સંપૂર્ણ સુરક્ષા કવચ મેળવવું જોઈએ. કોરોના સામેના અભિયાનમાં ભારત આરંભથી જ અગ્રેસર રહ્યું છે અને રસીકરણમાં પણ તે અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં દેશભરમાં મહત્તમ રસીકરણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રસીકરણ મહાઅભિયાન કોરોના સામેની સંભંવિત ત્રીજી લહેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ કેન્દ્રીય ગૃહમંત્રીએ વ્યક્ત કર્યો હતો. નોધપાત્ર બાબત એ છે કે, આજથી આરંભાયેલા રાજ્યવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાનમાં ૧૮થી વધુ વયના તમામ નાગરિકોને વોક-ઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. આમ, હવે જે નાગરિકો સ્થળ પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન લઈ શકશે.
કેન્દ્રીય ગૃહમંત્રીના નેતૃત્વમાં આરંભાયેલા આ રસીકરણ મહાઅભિયાન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મેયર કિરીટભાઈ પરમાર, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.