અમદાવાદ : બીમારી સામે મજબૂત મનોબળની જીતનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બહાર આવ્યું છે. એચસીજી હૉસ્પિટલમાં ૫૭ દિવસથી કોવિડ-૧૯ના તીવ્ર સંક્રમણ સામે લડત આપ્યા પછી મોહિત દોશી નામના ૩૨ વર્ષના એક યુવાને આ બીમારી સામે જીત મેળવી છે. મોહિતની બિમારી એટલી ગંભીર હતી કે તેને ૧૭ દિવસ સુધી ઇ.સી.એમ.ઓ. (એકમો) મશીન પર રહેવું પડ્યું હતું.
મોહિત રાજસ્થાનનો રહેવાસી છે અને ફેફસાંમાં તીવ્ર સંક્રમણ સાથે તેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસ પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તીવ્ર ખાંસી હતી અને સાથે હાપોક્સિયા (કોષોમાં ઓછો ઓક્સિજન પહોંચવા)ની તકલીફ પણ શરૂ થઈ. જ્યારે મોહિતને ૨૬ એપ્રિલ, ૨૦૨૧ના રોજ એચસીજી હૉસ્પિટલમાં ડાઇરેક્ટ આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની બચવાની શક્યતાઓ બહુ ઓછી જણાતી હતી.
મોહિતની નાની ઉંમરને કારણે સમગ્ર પરિવાર અત્યંત ભય અને ચિંતામાં મુકાઈ ગયો હતો.
જોકે એચ.સી.જી. હૉસ્પિટલમાં ડૉ. હરજિતસિંહ ડુમરાની આગેવાનીમાં અત્યંત અનુભવી કોવિડ-૧૯ કેર ટીમ મોહિતને આ જીવલેણ વાયરસથી બચાવી લેવા પ્રતિબદ્ધ હતી. પૂરા એક મહિનાથી પણ વધુ સમય સુધી મેડિકલ ટીમે એન.આઇ.વી., એન.આર.બી.એમ. અને એચ.એફ.એન.સી. જેવી વિવિધ પદ્ધતિઓ અજમાવીને મોહિતનાં ફેફસાંને ટેકો આપવાના તથા તેના ઑક્સિજનનું સ્તર સુધારવા માટે અવિરત પ્રયાસો કર્યા. મોહિત હાઇપોક્સિયા અને ટેચિપ્નીયા સામે બહાદુરીથી લડત આપતો હતો એ જોઈને મેડિકલ ટીમને પણ બળ મળ્યું. મોહિતને ઇનટ્યૂબેશન કરવામાં આવ્યું. અને વેન્ટિલેટર સપોર્ટ પર મુકવામાં આવ્યો.
આ બધી સારવાર મળ્યા પછી પણ મોહિતની સ્થિતિ વધુ બગડતી ગઈ. એચ.સી.જી.ની ટીમે ત્વરીત એક મેડિકલ બોર્ડની રચના કરી આગળની સારવાર અંગેનું આયોજન કર્યું.
લાંબી ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે મોહિતને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઑક્સિજન (ઇસીએમઓ) આપવાની જરૂર છે. જ્યારે કોઈ વ્યક્તિના ફેફસામાં તીવ્ર સંક્રમણ હોય ત્યારે સામાન્ય રીતે તેને આ અત્યાધુનિક જીવનરક્ષક ટેકનોલોજીનો ટેકો આપવામાં આવતો હોય છે. એકમો મશીન દર્દીના શરીરની બહારથી પમ્પિંગ કરીને, શરીરમાંના લોહીમાં ઑક્સિજન પૂરો પાડે છે. મોહિતના પરિવારની યોગ્ય મંજૂરી લીધા પછી મેડિકલ ટીમે મોહિતને એકમો આપવાની શરૂઆત કરી. ૧૭ દિવસ પછી મોહિતે સુધારાના સંકેતો બતાવ્યા અને ધીમે ધીમે તેને એકમો પરથી દૂર કરવામાં આવ્યો. એ પછીના એક અઠવાડિયા બાદ વેન્ટિલેટરનો ટેકો પણ દૂર કરી શકાયો. આ સુધારાત્મક પરિણામોને પગલે મોહિત બચી જવાની આશા વધી અને ટીમની મક્કમતા પણ વધુ મજબૂત બની.
છેવટે લગભગ ૨ મહિના સુધી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે પૂરેપૂરી કસોટી થાય એવી કોવિડ-૧૯ સામેની લડત પછી મોહિતે પોતાનું સ્વાસ્થ્ય પરત મેળવ્યું અને ૨૧ જૂન ૨૦૨૧ના રોજ તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
આ અંગે એચસીજી હૉસ્પિટલ્સના ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટના ચીફ ડૉ. હરજિતસિંહ ડુમરાએ કહ્યું હતું કે, ‘‘મોહિત દોશીનો મૃત્યુના મુખમાંથી ચમત્કારિક બચાવ થયો એ સાબિત કરે છે કે જ્યારે માનવની અસાધારણ ઇચ્છા શક્તિને ઝડપી અને સ્માર્ટ નિદાન તથા સારવાર રણનીતિઓનો સાથ મળે છે ત્યારે સૌથી તીવ્ર કોવિડ-૧૯ સંક્રમણ સામે પણ જીતી શકાય છે. આમ છતાં કોવિડ-૧૯ને સહેજ પણ હળવાશથી લઈ શકાય તેમ નથી. આપણે હંમેશા સલામતીના તમામ પ્રોટોકોલ્સનું પાલન કરવું જોઇએ. અગાઉ ઈન્ફેકશન થઈ ચૂક્યું હોય કે રસી લઈ લીધી હોવાથી કોવિડ-૧૯ એન્ટિબૉડિ ડેવલપ થયા હોય તો પણ તમામ પ્રકારની સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.’’