રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
ઇન્સપેક્ટર ડી.બી.મહેતા તેમજ સમગ્ર અમરાઈવાડી પોલીસના સ્ટાફે આરોપીને દબોચી લીધો
અમરાઈવાડી પોલીસે છેલ્લા 15 દિવસથી ફરાર અર્જુન મુદલિયાર નામના રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ગત રોજ રાત્રિના સમયે હાટકેશ્વરમાં વેપારી અજય અય્યર પર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો. અગાઉ ઝઘડાની અદાવત રાખી આરોપી અર્જુન મુદલિયારે સમાધાન કરવાને બહાને વેપારી અજય અય્યરને બહાર બોલાવી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીની માતા નિર્મલા મુદલિયાર પણ સામેલ હતી. હાલ અમરાઇવાડી પોલીસે નાસતો ફરતો આરોપી અર્જુન મુદલિયારને દબોચી લીધો છે. ધરપકડ કરાયેલા આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોધાયેલા છે. એટલું નહીં આરોપી છેલ્લા દોઢ વર્ષથી પાસાના વોરન્ટમાં નાસકો ફરતો હતો. ત્યારે હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, 15 જૂનની રાત્રે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા વેપારી અજય ઐયર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલો એક કાયર આરોપીની જેમ કરવામાં આવ્યો હતો. આરોપી અર્જુન મુદલિયાર દ્વારા જૂની અદાવત બાબતે સમાધાન કરવાનું કહી હાથ પગ જોડીને માફી માંગીને અંધારામાં વેપારીની નજર ચૂકવીને છાતી પર ચાકુનો ઘા કર્યો હતો. આ હુમલામાં આરોપી અર્જુનનીમાં નિર્મલા મુદલિયાર અને ભરત મુદલિયાર પણ સામેલ હતી. જો કે ઘટના બાદ ત્રણેય ફરાર થઇ ગયા હતા.
જો કે મુખ્ય આરોપી અર્જુન મુદલિયાર દ્વારા વેપારી અજય ઐયરના નાના ભાઈ વિજય ઐયરને પણ ફોન પર જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેની વિરુદ્ધમાં અમરાઇવાડી પોલીસ મથકે IPC 507 મુજબનો બીજો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતા ને જોતા ઝોન-5 DCP અચલ ત્યાગીની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ગુનાની તપાસ ચાલી હતી. ઇન્સપેક્ટર ડી.બી.મહેતા તેમજ સમગ્ર અમરાઈવાડી પોલીસનો સ્ટાફ આરોપીને પકડવા દિવસ રાત મહેનત કરીને મોબાઇલ લોકેશન ટ્રેસ કરીને અર્જુનના ઠેક ઠેકાણે રેડ મારી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પકડી પાડવામાં આવ્યો છે.
આરોપી અર્જુન ની ધરપકડ બાદ પોલીસ તપાસમાં એક મહત્વપૂર્ણ જાણકારી પણ સામે આવી છે. ઇન્સપેક્ટર ડી.બી.મહેતાએ જણાવ્યું હતું કે, અર્જુન ‘પાસા’ ના વોરેન્ટ સામે ઘણા સમયથી ફરાર હતો. જેમાં પોલીસ હવે તેને ‘પાસા’ હેઠળ પણ જેલમાં મોકલશે. અર્જુન મુદલિયારના માથે 10 થી પણ વધુ ગુના નોંધાયેલા છે. જેમાં પ્રોહીબિશન, બળાત્કાર, મારામારી જેવા ગંભીર ગુનાઓ સામેલ છે.
હાલ અરાઇવાડી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.