રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
બદલીઓને લઈને જુદી જુદી અટકળો થઈ રહી છે ત્યારે સુરત શહેરના નવા CP માટેની રેસમાં રાજકોટના પોલીસ કમિશનર સૌથી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના પોલીસ બેડામાં થશે મોટા પાયે ફેરફાર SPથી લઈને DIG અને IG રેન્કના અધિકારીઓની બદલીઓ થશે : સૂત્ર
CM રૂપાણીની નજીકના ગણાતા બે અધિકારીઓની બદલી : સૂત્ર
મોટા પાયે થશે બદલીઓ : સૂત્ર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અમલદારશાહીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા સેક્રેટરી લેવલના અધિકારીઓની બદલી કરવામાં આવી અને તે બાદ જિલ્લા કક્ષાએ કલેકટર અને DDO લેવલના અધિકારીની એક ઝાટકે બદલીઓ બાદ હવે સરકાર પોલીસ બેડામાં પણ મોટા પાયે ફેરફાર કરવા જઈ રહી છે.
મળતી માહિતી અનુસાર રથયાત્રા બાદ આ જ મહિનામાં IPS અધિકારીઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે જેમાં બદલીઓની સાથે સાથે SP રેન્કના કેટલાક અધિકારીઓને DIG રેન્ક પર બઢતી પણ આપવામાં આવશે.
લોબિંગ ચાલુ
પોલીસ બેડામાં ફેરફાર સાથે જોડાયેલા સૂત્રનું કહેવું છે કે ગુજરાતના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવા માટે પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે. એવામાં ગુજરાતના ઘણા બધા IPS અધિકારીઓએ પોત-પોતાની પ્રસિદ્ધિ માટેના પ્રયાસો ચાલુ કરી દીધા છે. કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા ગૃહ ખાતામાં લોબિંગથી લઈને મંત્રીઓ અને નેતાઓ સાથે તાર જોડવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે.
ACBને નવા ચીફ મળશે
સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત સરકાર 24થી પણ વધારે IPS અધિકારીઓની બદલી કરવામાં આવશે જેમાં SP રેન્કથી DIG/IG તથા પોલીસ કમિશનરના પદો પર બદલીઓ કરવામાં આવશે. આટલું જ નહીં રાજ્યના પોલીસ હેડક્વાટરમાં પણ ફેરફાર જોવા મળશે. નોંધનીય છે કે હરિ કૃષ્ણ પટેલની સેવા નિવૃત્તિ બાદથી વડોદરા રેન્જના DIGનું પદ ખાલી પડ્યું છે ત્યારે આ ફેરફારમાં નવા DIG વડોદરા રેન્જને મળી શકે છે. આ સિવાય એપ્રિલ મહિનામાં ACBના ચીફ કેશવ કુમાર પણ રીટાયર થયા હતા જે બાદ હવે ACBને નવા ચીફ મળે તેવી શક્યતા છે.
અગ્રવાલ સુરત CPની રેસમાં સૌથી આગળ : સૂત્ર
જોકે પોલીસ અધિકારીઓમાં બદલીઓને લઈને જુદી જુદી અટકળો થઈ રહી છે ત્યારે સુરત શહેરના નવા CP માટેની રેસમાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સૌથી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં હોવાના કારણે અગ્રવાલ CM રૂપાણીની નજીક ગણવામાં આવે છે.
એક અધિકારીએ ભાજપના પાવરફૂલ નેતાનો સંપર્ક કર્યો : સૂત્ર
સુરતના CP બનવાની રેસમાં અગ્રવાલ સિવાય બીજું મોટું નામ સુરત રેન્જના IG રાજકુમાર પાંડિયાનું સામે આવ્યું છે. સૂત્રો અનુસાર પાંડિયા દક્ષિણ ગુજરાતમાં જ રહેવા માંગે છે. પાંડિયા છેલ્લા ચાર વર્ષથી સુરત રેન્જના IG છે એવામાં તેમની બદલી ફાઇનલ માનવામાં આવી રહી છે ત્યારે તેઓ હવે સુરતના CP તરીકે શિફ્ટ થવા માંગે ચરે. સૂત્રો અનુસાર પાંડિયાએ પોતાની બદલીને લઈને ભારતીય જનતા પાર્ટીના પાવરફૂલ નેતાનો સંપર્ક સાધ્યો છે. જોકે સુરતના CPના પદ મુદ્દે ભાજપ અધ્યક્ષ અને દક્ષિણ ગુજરાતના મોટા નેતા CR પાટીલનો મત વધારે મહત્વ ધરાવશે. સૂત્રો અનુસાર સુરત શહેરમાં બદલીઓ અને નવી નિમણૂકમાં પાટીલનો નિર્ણય મોટો ભાગ ભજવે છે.
રાજકોટના અન્ય એક IPSની બદલીની શક્યતા
આ સિવાય રાજકોટના વધુ એક અધિકારી સંદીપ સિંઘ CM રૂપાણીની નજીકના ગણાય છે ત્યારે સંદીપ સિંઘને વડોદરા રેન્જમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે. સંદીપ સિંઘ આ પહેલા વડોદરા (ગ્રામ્ય) અને ભરૂચમાં ફરજ બજાવી ચૂક્યા છે. જો સંદીપ સિંઘની બદલી કરવામાં આવે તો તે જોવું મહત્વનું રહેશે કે રાજકોટ રેન્જમાં કોને મૂકવામાં આવે છે.