એકબાજુ, નિર્દોષ નાગરિકો કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના મારથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે બીજીબાજુ, સીએનજીના ભાવવધારાએ જનઆક્રોશ વધારવાનું કામ કર્યું છે, સરકાર મોંઘવારી નાથવામાં સરેઆમ નિષ્ફળ – ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખ
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે આગામી દિવસોમાં છાશવારે ઝીંકાતા ભાવવધારાને લઇ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
રાજયના લાખો ગ્રાહકોને સંગઠિત થઇ આ આંદોલનમાં સહકાર આપવા અને રાજયભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ પણ આવા વિરોધ દર્શક કાર્યક્રમો યોજી સરકારના આત્માને જગાડવાનો પ્રયાસ કરવા જાહેર અપીલ
અમદાવાદ,તા.26
પેટ્રોલ ડીઝલ અને દૂધનાં ભાવ વધારા બાદ લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે સીએનજીનાં ભાવમાં પણ પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યનાં સાત લાખથી વાહન ચાલકોને સીધી અસર થઇ છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. CNGનો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા થયો છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ પીએનજીના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. જો કે, સીએનજીના આ ભાવવધારાના કારણે લાખો વાહનચાલકો પર સીધો આર્થિક બોજ ઝીંકાતાં લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. દરમ્યાન ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખશ્રી મુકેશ પરીખે સીએજી ભાવવધારાને આકરા શબ્દોમાં વખોડતા અને સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે, એકબાજુ, નિર્દોષ નાગરિકો કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના મારથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે બીજીબાજુ, સીએનજીના ભાવવધારાએ જનઆક્રોશ વધારવાનું કામ કર્યું છે, સરકાર મોંઘવારી નાથવામાં સરેઆમ નિષ્ફળ ગઇ છે.
પેટ્રોલ, ડિઝલ અને સીએનજીમાં છાશવારે ઝીંકાતા ભાવવધારાને લઇ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગ્રાહકોને આ ભાવવધારા સામે સંગઠિત કરી રોડ પર ઉતરી રેલી, ધરણાં અને સૂત્રોચ્ચારના જલદ કાર્યક્રમો આપી પ્રજાને જાગૃત કરવામાં આવશે અને સરકાર સામે જનાક્રોશ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખશ્રી મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું કે, પેટ્રોલ, ડિઝલ, દૂધ બાદ હવે સીએનજીમાં અસહ્ય ભાવવધારો ઝીંકાયો છે, જેના કારણે સામાન્ય પ્રજા અને ખાસ કરીને વાહનચાલકોનું જીવન જીવવું સરકારે દોહ્યલુ કરી નાંખ્યું છે. સીએનજીમાં મને ફાવે ત્યારે ભાવવધારો કરવાની મંજૂરી આપી સરકાર એક રીતે કંપનીઓ પરથી પોતાનું નિયંત્રણ અને કાબૂ ગુમાવી રહી છે, જેનો સીધો ભોગ નિર્દોષ પ્રજા બની રહી છે. એકબાજુ, ગુજરાતની જનતા કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના મારથી ત્રસ્ત છે ત્યારે પ્રજાને મોંઘવારીમાંથી રાહત આપવાના બદલે એક પછી એક જીવનજરૂરી અને રોજિંદા જીવનમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવવધારો ઝીંકીને સરકાર ખરેખર તો પ્રજાનો જનઆક્રોશ ભડકાવી રહી છે. આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યઘાતો સામે આવશે. ગ્રાહક સુરક્ષા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખશ્રી મુકેશ પરીખે આગામી દિવસોમાં મોંઘવારીને લઇ ખાસ કરીને પેટ્રોલ, ડિઝલ, દૂધ, સીએનજી અને સીંગતેલના ભાવવધારાને લઇ રસ્તા રેલી, ધરણાં, સૂત્રોચ્ચાર અને ઉગ્ર દેખાવો કરવાની ચીમકી આપી છે અને રાજયના લાખો ગ્રાહકોને સંગઠિત થઇ આ આંદોલનમાં સહકાર આપવા અને રાજયભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ પણ આવા વિરોધ દર્શક કાર્યક્રમો યોજી સરકારના આત્માને જગાડવાનો પ્રયાસ કરવા જાહેર અપીલ કરી છે.