દેવાધિદેવની મહાપૂજાને લઇ ભીડભંજન હનુમાનજી મંદિરને ઝળહળતી રોશની અને અનેક આકર્ષણોથી શણગારવામાં આવ્યું
શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના લઘુરૂદ્ર યજ્ઞ અને પંચ વક્ર શિવ મહાપૂજા માટે દર વર્ષે મંદિર પ્રાંગણમાં ભોળાનાથના શિવલિંગની ચલિત પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવતી હોય છે – ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ
અમદાવાદ,તા.5
આવતીકાલે તા.6 સપ્ટેમ્બરે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસના પાવન અવસરે શહેરના ગુરૂકુળ રોડ પર સુભાષચોક ખાતે મેમનગર વિસ્તારમાં સુપ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવાધિદેવ મહાદેવના લઘુરૂદ્ર યજ્ઞ અને પંચ વક્ર શિવ મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેંકડો શ્રધ્ધાળુઓ દેવાધિદેવના દર્શન અને મહાપૂજાનો લાભ લેશે. ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દેવાધિદેવની આ મહાપૂજાને લઇ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રધ્ધાળુ ભકતોને કોઇ તકલીફ કે અગવડ ના પડે તેની ખાસ તકેદારી રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો દેવાધિદેવની મહાપૂજાને લઇ ભીડભંજન હનુમાનજી મંદિરને ઝળહળતી રોશની અને અનેક આકર્ષણોથી શણગારવામાં આવ્યું છે એમ અત્રે ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે હનુમાન જયંતિ, શ્રી રામનવમી, જન્માષ્ટમી સહિતના અનેક ધાર્મિક પ્રસંગોની ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ માસ દરમ્યાન દેવાધિદેવ મહાદેવની મહાપૂજા માટે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે આ મહાપૂજા અંગે રસપ્રદ વાત કરતાં જણાવ્યું કે, શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના લઘુરૂદ્ર યજ્ઞ અને પંચ વક્ર શિવ મહાપૂજા માટે દર વર્ષે મંદિર પ્રાંગણમાં ભોળાનાથના શિવલિંગની ચલિત પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવતી હોય છે.
આવતીકાલે તા. 6-9-2021ના રોજ શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને પવિત્ર સોમવતી અમાસના પાવન અવસરે મેમનગરના સુભાષ ચોક ખાતે આવેલા શ્રી ભીડ ભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વિશેષ લઘુરૂદ્ર યજ્ઞ અને રાત્રી શિવ મહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ યજ્ઞ પૂજામાં સાંજે 4-30 વાગ્યે શ્રીફળ હોમાશે જયારે રાત્રીના 9-30 વાગ્યાથી દેવાધિદેવ મહાદેવની શિવ મહાપૂજાનો પ્રારંભ થશે. જેમાં સેંકડો શ્રધ્ધાળુ ભકતો દર્શનનો લાભ લેશે.
આવતીકાલે તા.6 સપ્ટેમ્બરના રોજ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સવારે ૧૦-૦૦થી સાંજે ૫-૦૦ વાગ્યા દરમ્યાન દેવાધિદેવ મહાદેવના લઘુ રૂદ્ર યજ્ઞ અને રાત્રે ૯-૦૦થી બીજા દિવસે પરોઢના ૪-૦૦ વાગ્યા સુધી પંચ વક્ર શિવમહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે નિપુણ બ્રાહ્મણો-પૂજારીઓ દ્વારા વિધિવત્ રીતે દેવાધિદેવની મહાપૂજા કરાવવામાં આવશે. દર વર્ષે સેંકડો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસની ભોળાનાથની આ મહાપૂજા અને દર્શનનો લાભ લઇ ભારે ધન્યતાનો અનુભવ કરતા હોય છે એમ ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું.