અમદાવાદ : ચિત્રકાર હંમેશા પોતાની કળા સાધનામાં લીન રહીને કળા સાધનાનો સંકલ્પ સિધ્ધ કરે છે. વૈશ્વિક ધરોહર અમદાવાદના સ્થાપત્યો , સ્મારકોનો ઐતિહાસિક વારસો કેનવાસ પર કંડારીને ઉજાગર કરવાનો પ્રયત્ન ગુજરાતનાં ચિત્રકારોએ કર્યો છે.. કોરોના મહામારીના સમયમાં ચિત્રકારોની હાલત કફોડી બની હતી. કળાના સહારે જીવન નિર્વાહ કરતા કલાકારોના જીવનમાં આવેલી આપત્તિને અવસરમાં બદલવાનો પ્રયાસ કર્યો છે.
હેરિટેજ સિટીના સ્થાપત્યોને સન્માન આપવાનો તથા ઉજાગર કરવાનો પ્રયાસ ક્રિએટિવ હેન્ડ્સ ઓફ ઇન્ડિયા (usa) અને હોબી સેન્ટર (અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યો છે. આ કળા પ્રદર્શન ICAC આર્ટ ગેલેરી ખાતે ગુજરાતભરના આર્ટિસ્ટનો ગ્રુપ શો યોજાયો છે. 19થી 25 સપ્ટેમ્બ સુધી કળા રસિકો અને જાહેર જનતા માણી શકશે. આર્ટ ગેલેરી ખાતે G9 ગુજરાતીના MD ઉપેન્દ્ર શાહ, અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સાથે અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ક્રિએટિવ હેન્ડસ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર જવાહર સુશીલા ડોડાણી અમેરિકાથી ઓનલાઈન હાજરી આપી હતી.
હેરિટેજ વિષય પર કળાકારોએ રજૂ કરેલા મનમોહક ચિત્રોના ખુલ્લા પારદર્શક રંગો દ્વારા જીવનમાં સમાતા અવનવા રંગો દર્શાવ્યા હોય તેવા દેખાઈ રહ્યા છે. રંગો જાણે એક-બીજામાં ઓગળી જઈ સમર્પણની ભાવના તથા સાચા જીવન જીવવાના અર્થને અભિવ્યક્ત કરતા હોય છે. દરેક સર્જકોને કળાના સર્જન માટે વિશાળ ફલક જરૂરી છે. મૌલિક અભિવ્યક્તિથી તેઓ પોતાના ચિત્રોનું સંપૂર્ણ લગાવ સાથે સર્જન કરે છે. માટે જ તેમના ચિત્રોમાં તાજગી અને વિશાળતાના દર્શન થાય છે.
કલા જીવનનું પ્રતિબિંબ રજુ કરતુ દર્પણ નથી ,પરંતુ જીવનમાં રહેલી ક્ષતિઓને દૂર કરવાનો જળ સ્ત્રોત્ર છે, જે વિષય તમને આકર્ષિત કરે તેનો અભ્યાસ, સંશોધન માટે વાંચન ખુબ જ જરૂરી છે. કલાકારના જીવનમાં રંગોની લાગણીઓ જન્મે તેના ઊંડાણે આધ્યાત્મિક પ્રભાવ, કલાગ્રંથોમાં લખાયેલા શબ્દો ચિત્રકારોના જીવનમાં પથદર્શક ચોક્કસ બને છે. કલાકારોના જીવનમાં પથદર્શક બનવાનો સંકલ્પ મૂળ અમદાવાદના વતની જવાહર સુશીલા ડોડાણી ક્રિએટિવ હેન્ડસ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર છે તેમના વિઝનથી આ ચિત્ર પ્રદર્શન યોજાયું છે.
અમદાવાદના ઐતિહાસિક સ્મારકો પર રિયાલીસ્ટિક આર્ટ, ભાતિગળ સંસ્કૃતિ ચિત્રકારોએ પ્રદર્શિત કરી છે. કોરોના મહામારી દરમિયાન છેલ્લા ઘણા સમયથી આર્ટ ગેલેરીઓ બંધ હતી ત્યારે હવે પરિસ્થિતિ હળવી થતાં આર્ટ ગેલેરી અન-લોક થઈ છે, ત્યારે કળા સર્જકો પોતાની કળા પ્રદર્શિત કરીને આત્મનિર્ભર બની રહ્યા છે.