માસૂમ મુકાયો મુસીબતમાં! દોઢ વર્ષના બાળકને કોઇ સ્વામિનારાયણ મંદિરના દરવાજા પાસે મુકીને શખ્સ થયો ફરાર!
October 9, 2021
ગાંધીનગરઃ પેથાપુર સ્વામિનારાયણ મંદિર એક અજીબ ઘટના સામે આવી છે. દોઢ વર્ષના એક બાળકને યુવક મંદિરના દરવાજા આગળ મુકીને જતો રહ્યો. મંદિરના ચોકમાંથી બાળક મળી આવતા સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. મંદિરમાં અડધી રાત્રે આવી રીતે કોઇ બાળક મુકીને કેવી રીતે જઇ શકે? થોડો સમય રાહ જોયા, આસપાસમાં બાળકના માતા-પિતા અંગે શોધખોળ કરી પરંતુ કોઇ ન મળતા અંતે મંદિર સંચાલકોએ પેથાપુર પોલીસને જાણ કરી હતી.
પોલીસે સ્વામિનારાયણ મંદિરમાં પહોંચી સમગ્ર મામલે શોધખોળ હાથ ધરી હતી. બાળક મળી આવતા પોલીસે આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ કરી હતી. પોલીસે મંદિરના CCTV ફૂટેજ ચેક કરતા એક વ્યક્તિ બાળકને મુકીને ભાગતો જોવા મળ્યો હતો. આ કેસમાં પોલીસે બે દિશોઓમાં તપાસ હાથ ધરી છે. એક તો બાળકને કોઇ માતા-પિતા ત્યજીને જતા રહ્યાં છે અને બીજી તરફ બાળકનું અપહરણ કરાયું હોય અને મંદિરમાં તેને મુકીને અપહરણકારો ફરાર થયા હોય. પેથાપુર પોલીસ અને ગાંધીનગર સીટી પોલીસ હાલમાં સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
મંદિરના ગૌશાળામાંથી બાળક મળી આવવાની ઘટના બાદ બાળ અને મહિલા વિકાસ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. બાળ અને મહિલા વિભાગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ તપાસના આદેશ આપ્યા છે. દોઢ વર્ષનું બાળક અચાનક પોતાની આસપાસની દુનિયા બદલાઇ જતા તેની પાસે આવનાર દરેક વ્યક્તિ નિર્દોષતાથી જોઇ રહ્યો છે. તેનું મુખ જોતા એવું લાગી આવી છે કે, તે પૂછી રહ્યો છે મારા માતા-પિતા ક્યાં છે? કેમ મને આવી હાલતમાં મોકલી દેવામાં આવ્યો છે? મારા ઘરથી વિખૂટો પાડનાર કોણ છે?
બાળકને મળી આવવાની ઘટનાને લાંબો સમય થઇ ચૂક્યો છે. તેમ છતાં હજી સુધી બાળકના માતા-પિતા પોલીસનો સંપર્ક કર્યો નથી. મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બાળકના માતા-પિતાને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પેથાપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હજી સુધી કોઇ પગેરું નથી મળ્યું કે કોઇ પોલીસને સંપર્ક નથી કર્યો. જેથી બાળકને ત્યજી દેવામાં આવ્યું હોય તેવી પ્રબળ શક્યતાઓ છે. અપહરણનો કેસ હોય તો માતા-પિતા અથવા પરિવારજનો પોલીસને સંપર્ક ચોક્કસ કર્યો હયો.
જો કે, સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને બાળકના માતા-પિતાને શોધવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.