ચકચારભર્યા એટ્રોસીટી કેસમાં કઠલાલ સીટી સર્વેયર ઓફિસના ઇન્ચાર્જ સીટી સર્વેયર અને કલાર્ક દ્વારા આગોતરા જામીન માટે કરાયેલી અપીલમાં હાઇકોર્ટનો મહત્વનો હુકમ
ખેડા જિલ્લાની કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેલ સીટી સર્વેયર ઓફિસમાં ફરજ બજાવતાં પટાવાળા દ્વારા ઉપરી અધિકારીઓના કથિત જાતિવાચક ત્રાસ અને હેરાનગતિના કારણે આત્મહત્યા કરવાના ચકચારભર્યા એટ્રોસીટી કેસમાં સરકાર અને ફરિયાદપક્ષને હાઇકોર્ટની નોટિસ
અમદાવાદ,
ખેડા જિલ્લાની કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેલ સીટી સર્વેયર ઓફિસમાં ફરજ બજાવતાં પટાવાળા દ્વારા ઉપરી અધિકારીઓના કથિત જાતિવાચક ત્રાસ અને હેરાનગતિના કારણે આત્મહત્યા કરવાના ચકચારભર્યા એટ્રોસીટી કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે કઠલાલ સીટી સર્વેયર ઓફિસના ઇન્ચાર્જ સર્વેયર અને કલાર્ક વિરૂધ્ધ કોઇપણ પ્રકારના કોઅર્સીવ એકશન(શિક્ષાત્મક પગલાં) લેવા પર એટલે કે, ધરપકડ સામે સ્ટે ફરમાવતી મનાઇહુકમ જારી કર્યો છે. કઠલાલ સીટી સર્વેયર ઓફિસના ઇન્ચાર્જ સર્વેયર અને કલાર્ક દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન મેળવવા માટે કરાયેલી ક્રિમીનલ અપીલમાં જસ્ટિસ ઉમેશ એ. ત્રિવેદીએ બંને અરજદારો સામે કોઇપણ પ્રકારના કોઅર્સીવ એકશન લેવા નહી(ધરપકડ સામે સ્ટે આપતી) એ મતલબની રાહત આપી હતી. સાથે સાથે હાઇકોર્ટે રાજય સરકાર અને ફરિયાદપક્ષને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં મુકરર કરી છે.
ખેડા જિલ્લાની કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેલ સીટી સર્વેયર ઓફિસના કલાર્ક મોહમંદ શાકીર અબ્દુલમાજીદ શેખ તથા ઇન્ચાર્જ સીટી સર્વેયર દ્વારા આગોતરા જામીન માટે કરાયેલી અપીલમાં સિનિયર એડવોકેટ પ્રશાંત જી.દેસાઇ અને આર.જે.ગોસ્વામીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ફરિયાદી રમીલાબેન દિનેશભાઇ રોહિત કઠલાલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આશાવર્કર તરીકે નોકરી કરે છે, જયારે તેમના પતિ દિનેશભાઇ કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેલી સીટી સર્વેયર ઓફિસ ખાતે 2017થી પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. ફરિયાદપક્ષના આક્ષેપ મુજબ, કઠલાલ સીટી સર્વેયર ઓફિસના ઇન્ચાર્જ સર્વેયર અને કલાર્ક એટલે કે, અરજદારપક્ષ તરફથી ફરિયાદીના પતિને ઓફિસમાં માનસિક ત્રાસ અને હેરાનગતિ પહોંચાડાતા હતા. ખાસ કરીને જાતિવાચક શબ્દો કહીને અપમાનિત કરાતા હતા,, જેનાથી ત્રસ્ત થઇને ગત તા.29-5-2021ના રોજ ફરિયાદીના પતિ દિનેશભાઇએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હતી. જે અંગે ફરિયાદીએ અરજદારો વિરૂધ્ધ કઠલાલ પોલીસમથકમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ પ્રશાંત જી.દેસાઇ અને આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, ફરિયાદપક્ષ દ્વારા અરજદારો વિરૂધ્ધ બિલકુલ ખોટી રીતે અને આધારપુરાવા વિનાની ફરિયાદ નોંધાવી છે કે જેમાં કોઇ તથ્ય નથી. વાસ્તવમાં પ્રસ્તુત કેસમાં આઇપીસીની કલમ-306 એટલે કે, આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો કોઇ ગુનો લાગુ પડતો નથી. વધુમાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમની કોઇ જોગવાઇ પણ લાગુ પડતી નથી. વાસ્તવમાં, બનાવના લગભગ ચાર મહિના જેટલો સમય વીત્યા બાદ ફરિયાદીએ વિલંબથી ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં પણ અરજદારોના સ્ટેટમેન્ટ લેવાઇ ગયા છે અને અરજદારોએ તપાસમાં પૂરતો સાથ સહકાર આપ્યો છે, તેથી હવે કોઇ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર રહેતી નથી. આત્મહત્યા માટે દુષ્પ્રેરણને સમર્થન આપતાં કે તેમાં કંઇ તથ્ય હોય તેવી કોઇ બાબત પણ એફઆઇઆરમાં ફલિત થતી નથી. એટ્રોસીટી એકટ સંદર્ભના આક્ષેપો પણ પુરાવા પરથી પુરવાર થતા જણાતાં નથી. વળી, જાતિવાચક માનસિક ત્રાસના જે આક્ષેપો છે, તેમાં કોઇ સાક્ષી કે પુરાવા પણ નથી અને તેના કારણે અરજદારોને એટ્રોસીટી એકટ હેઠળ આવરી શકાય નહી. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ પ્રશાંત જી.દેસાઇ અને આર.જે.ગોસ્વામીએ પ્રાથ્વીરાજ ચૌહાણ વિરૂધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમકોર્ટના મહત્વના ચુકાદાને ટાંકીને અરજદારોને રાહત આપવા હાઇકોર્ટને વિનંતી કરી હતી. સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને અરજદારપક્ષની દલીલો ધ્યાનમાં રાખી જસ્ટિસ ઉમેશ એ.ત્રિવેદીએ એટ્રોસીટીના ચકચારભર્યા આ કેસમાં અરજદારોને ઉપરોકત રાહત આપતો મહત્વનો આદેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં મુકરર કરી હતી.