જગદલપુર: છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પાસે ગઢચીરોલીના જંગલ વિસ્તારમાં શનિવાર સવારે પોલીસ અને નકસલીઓ વચ્ચે એક જબરદસ્ત ધીંગાણું થયું. જેમાં ૨૬ જેટલા નકસલીઓ પોલીસ ફાયરિંગમાં ઠાર થયા. નકસલીઓના મોતનો આંકડો હજુ પણ વધી શકે તેમ છે. ત્યારે આ ધીંગાણામાં ૩ જેટલા પોલીસ જવાન પણ ઘાયલ થયા છે.
સમગ્ર મામલે ગઢચીરોલીના SP અંકિત ગોયલ દ્વારા ખરાઈ કરવામાં આવી. સૂત્રો જણાવી રહ્યા છે કે, સિનિયર કેડરના હાર્ડકોર નકસલી દિપક તેલટુંબળે પણ આ મૂઠભેડમાં ઠાર થયો છે. સાથે સાથે કેટલાક મોટા નકસલી લીડરોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે. પોલીસ જવાનો હાલ પણ ઘટના સ્થળે છે અને વધુ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
એક જાણકારી મુજબ પોલીસ ફોર્સને એક ચોક્કસ બાતમી મળી હતી. કે, ગઢચીરોલીના જ્ઞારાપટ્ટી જંગલોમાં મોટી સંખ્યામાં હથિયારબંધ નકસલીઓ છે. બાતમીદારની આ બાતમીના આધારે શનિવાર સવારે મહારાષ્ટ્ર પોલીસનું C-60 યુનિટ ઓપરેશન માટે પહોંચ્યું હતું. પોલીસના જવાનો જંગલમાં પહોંચતાની સાથે નકસલીઓએ પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં જવાબી ફાયરિંગમાં ૨૬ નકસલીઓના મોત થયા સાથે સાથે ઘટના સ્થળેથી મોટી માત્રામાં જોખમી હથિયારો અને સામાન પોલીસે કબજે લીધો.
એક અઠવાડિયામાં રૂપિયા ૨૦લાખના ઈનામી નકસલીઓ ઠાર કરવામાં આવ્યા.
છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયામાં પોલીસ મુઠભેડમાં અલગ અલગ સ્થળો ખાતે ૪ નકસલીઓ ઠાર થયા છે જેમાં, ૩ મહિલા નકસલીઓ પણ સામીલ છે. જેમની ઉપર ૫-૫ લાખના ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા.