શહેરના કેમ્પ હનુમાનજી મંદિર, થલતેજના શ્રી વૈભવ લક્ષ્મી મંદિર સહિતના મંદિરોમાં છપ્પન ભોગનો અન્નકુટ ધરાવાયો
થલતેજના શ્રી વૈભવલક્ષ્મી મંદિર ખાતે શુક્રવાર, પૂનમ અને દેવ દિવાળીના સુભગ સમન્વયને લઇ હજારો ભકતો માતાજીના દર્શનાર્થે ઉમટયા – શ્રી વૈભવ લક્ષ્મી માતાજીના મંદિરે ઉત્સવ જેવો માહોલ સર્જાયો, ભકતોએ માતાજીના દર્શન કરી, આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી
અમદાવાદ,તા.19
આજે દેવ દિવાળી, કાર્તિક પૂર્ણિમા (પૂનમ) અને ગુરુ નાનક જયંતિ નો અનોખો સુભગ સમન્વય હોવાના કારણે અમદાવાદ શહેર સહિત રાજ્યભરના દેવી-દેવતાઓના મંદિરોમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. લાખો શ્રદ્ધાળુઓએ આજના પવિત્ર દિવસે દેવી દેવતાઓના દર્શનાર્થે પડાપડી કરી હતી, જેને લઇ ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હતું. તો દેવ દિવાળી અને પૂનમને લઈને શહેરના શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલા પ્રાચીન કેમ્પ હનુમાનજી મંદિર થલતેજના સુપ્રસિદ્ધ શ્રી વૈભવ લક્ષ્મી મંદિર સહિતના મંદિરોમાં છપ્પનભોગનો વિશેષ અન્નકુટ ધરાવવામાં આવ્યો છે. ખાસ કરીને આજે ઘણા વર્ષો બાદ શુક્રવાર અને પૂનમનો અનોખો સંયોગ આવ્યો હોવાથી શ્રી વૈભવલક્ષ્મી માતાજીના ભકતો અને શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યા હતા. આજે શુક્રવાર અને પૂનમ ઉપરાંત દેવદિવાળીના અનોખો સંયોગ નિમિતે શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર, થલતેજ ખાતે છપ્પન ભોગનો બહુ વિશેષ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. તો, આજના પવિત્ર અને શુભ દિને શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને બહુ મનમોહક અને સુંદર સાજ શણગાર કરવામાં આવ્યો હતો, મંદિરને પણ બહુ જ સુંદર રીતે સુશોભન, ફુલહાર, તોરણો અને રોશની કરી શણગારવામાં આવ્યું હતું. શ્રધ્ધાળુ ભક્તો દ્વારા શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને 56 પ્રકારના મિષ્ટાન અને વિવિધ પ્રકારના ફરસાણ ધરાવી અન્નકુટની પ્રસાદી લેવા માટે પડાપડી કરી હતી. તો બીજી બાજુ આજે ગુરુ નાનક જયંતિ હોઇ શહેરના થલતેજ ખાતેના ગુરુદ્વારા, સરસપુર, મણીનગર, રખિયાલ સહિતના વિસ્તારોમાં આવેલા ગુરુદ્વારા ખાતે શ્રધ્ધાળુઓ પણ ખુબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. ગુરુ નાનક જયંતિ નિમિત્તે ગુરુદ્વારાઓમાં ભક્તો માટે લંગરનું ખાસ આયોજન કરાયું હતું.
આજે દેવ દિવાળી, કાર્તિક પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિનો ત્રિવેણી ભક્તિનો સમન્વય હોવાથી વહેલી સવારથી જ મંદિરો અને ગુરુદ્વારાઓમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. શહેરના કેમ્પ હનુમાનજી મંદિરમાં આજે સવારે 10 વાગ્યે શ્રી હનુમાનજી દાદાની દેવ દિવાળી નિમિત્તે ખાસ મહાઆરતી કરવામાં આવી હતી. મુખ્ય ટ્રસ્ટી સુધીરભાઇ નાણાવટી તરફથી દાદાને છપ્પનભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. સાંજે 6-30 વાગ્યે ફરીથી આજથી અને ત્યારબાદ સાંજે 6 થી 8 દરમિયાન વિશેષ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારે શહેરના થલતેજ વિસ્તારમાં આજે શુક્રવાર, કાર્તિકી પૂનમ અને દેવદિવાળીના સુભગ સમન્વય નિમિતે શ્રી પંચદેવ ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુપ્રસિધ્ધ શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે દેવ દિવાળી નિમિત્તે માતાજી ને ખાસ 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. કાર્તિક પૂર્ણિમાના દેવદિવાળીના દિવસે છેલ્લા ૨૨ વર્ષથી શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે. આજે દેવ દિવાળીને લઈને શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. જે અદભુત અને મનમોહક લાગતા હતા.
આજના પવિત્ર પ્રસંગે હજારો શ્રધ્ધાળુ ભકતો માતાજીના દર્શન કરવા માટે ઉમટયા હતા. આ જ રીતે શહેર સહિત રાજ્યભરના અન્ય મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં પણ દેવ દિવાળી નિમિત્તે છપ્પન ભોગના અન્નકુટ અને આરતી, ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેને લઇ શ્રદ્ધાળુઓ ભક્તોનો જાણે ઘોડાપૂર ઉમટયું હતું.
આજે ગુરુ નાનક જયંતિ હોવાના લીધે ગુજરાત સહિત દેશભરમાં શીખ સમુદાય દ્વારા ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શીખ સંપ્રદાયના લોકો ગુરુદ્વારામાં દર્શનાર્થે પહોંચ્યા હતા. શહેરના થલતેજ સરસપુર મણીનગર રખિયાલ સહિતના વિસ્તારોમાં આવેલા ગુરુદ્વારામાં શીખ સમુદાયના લોકોની ભારે ભીડ જોવા મળી હતી ગુરુનાનક જયંતીની લઈને આજે ગુરુદ્વારાઓમાં શ્રદ્ધાળુ ભક્તો માટે ખાસ લંગર-ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભકતોએ પ્રસાદી પામી તૃપ્તિ અનુભવી હતી. આજે મોડી રાત સુધી શહેર સહિત રાજયભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
સમુદ્રમંથન વખતે તેમાંથી વૈભવ લક્ષ્મી સહિત અષ્ટ લક્ષ્મી પ્રગટ થયા હતા
શ્રી વૈભવ લક્ષ્મી માતાજી મંદિરના પૂજારીએ શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને છપ્પન ભોગના અન્નકુટ ધરાવવા અંગેનું મહાત્મ્ય વર્ણવતાં જણાવ્યું કે, સમુદ્રમંથન વખતે તેમાંથી શ્રી વૈભવ લક્ષ્મી, શ્રી અધિ લક્ષ્મી, શ્રી વિજય લક્ષ્મી, શ્રી ધન લક્ષ્મી, શ્રી ગજ લક્ષ્મી, શ્રી સંતાન લક્ષ્મી, શ્રી વિરલ લક્ષ્મી અને શ્રી ઐશ્વર્ય લક્ષ્મી એમ અષ્ટ લક્ષ્મી પ્રગટ થયા હતા. આ અષ્ટ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે દેવો અને દાનવોએ ફળફળાદી અને પકવાનોનો નૈવેધ શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને ધરાવ્યો હતો, ત્યારથી દેવદિવાળીના દિવસે શ્રી મહાલક્ષ્મી મંદિરોમાં અન્નકુટ ધરાવવામાં આવે છે.
શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને આજે સેંકડો કમળ અને ગુલાબના પુષ્પો અને હાર અર્પણ.
આજે કાર્તિકી પૂનમ, શુક્રવાર અને દેવ દિવાળીના પવિત્ર સંયોગ નિમિતે હજારો શ્રધ્ધાળુઓ આજે થલતેજ ખાતેના સુપ્રસિધ્ધ શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડયા હતા. ભકતોએ શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને આજે કમળ અને ગુલાબના પુષ્પો અને હાર અર્પણ કર્યા હતા. આજે શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને અર્પણ કરાયેલા કમળ અને ગુલાબના પુષ્પોની સંખ્યા સામાન્ય દિવસો અને તહેવારો કરતાં ઘણી વધારે હતી, કારણ કે, આજે શુક્રવાર, પૂનમ અને દેવ દિવાળીનો અન્નકુટનો વિશેષ પ્રસંગ હોવાથી હજારો શ્રધ્ધાળુ ભકતોએ શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને સેંકડો કમળ, ગુલાબ અને ફુલ-હાર અર્પણ કર્યા હતા. તો સાથે સાથે માતાજીને જાતજાતની અને ભાતભાતની મીઠાઇ, મેવા અને પકવાન પણ પ્રસાદમાં ધરાવ્યા હતા. ઉપરાંત માતાજીને ચુંદડી અને શ્રીફળ ધરાવી શ્રી વૈભવ લક્ષ્મી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.