છેલ્લા એક અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા
આડેધડ પાર્કિંગના કારણે રસ્તા સાંકડા બનતા અકસ્માત વધ્યા
ક્રિષ્ના પટેલ મોડાસા ,
દિવાળી બાદ જન જીવન રાબેતા મુજબ થતા શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જોવા મળી રહ્યો છે.ત્યારે આડેધડ પાર્કિંગના કારણે સાંકડા રસ્તાઓ થઇ જતા મોડાસા ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ ચોકડી સુધી માર્ગ અકસ્માતો વધ્યા છે.
અરવલ્લી જિલ્લામાં મુખ્ય મથક મોડાસા શહેરમાં દિવાળી બાદ જીવન રાબેતા મુજબ બન્યું છે.જેન કારણે શહેરના ચાર રસ્તા,મુખ્ય બજાર,તેમજ મેઘરજ બાયપાસ ચોકડી સુધીના માર્ગમાં આડેધડ પાર્કિંગ અને લારીઓના કારણે રસ્તા સાંકડા થઇ ગયા છે.જેના કારણે મોડાસા શહેરના ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ ચોકડી સુધીમાં જ છેલ્લા એક અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા છે. મેઘરજ રોડ પર કે પી હોસ્ટેલ , પાવનસિટી, મધુરમ તેમજ ઇન્ડિયન પેટ્રોલ પંપ જેવા સ્થળો પર ગત અઠવાડીયે અકસ્માતો સર્જાયા છે. અવારનવાર મેઘરજ રોડ પર અક્સ્માતોના કારણે રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે.મોટા ભાગે સવાર અને સાંજે રોડ સાઇડમાં આડેધડ પાર્કિગ થવાના કારણે રસ્તા સાંકડા બની જતા હોય છે જેથી રોડ સાઈડ ચાલનાર તેમજ વાહનો માટે ટ્રાફિકમાં વાહન હંકારવું જંગ જીતવા બરાબર બની જાય છે.સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા પોલીસને આડેધડ થતા પાર્કિંગને દૂર કરવા માંગણી કરાઈ રહી છે.