ગાંધીનગર: ગુજરાતનાCM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઇની બે દિવસીય મુલાકાતે ગયેલું ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ ગુરુવારે અમદાવાદ રાત્રે પરત આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય યાત્રીની જેમ જ આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટ કરાવ્યા હતા. વિદેશથી આવતા પ્રવાસીઓ-યાત્રિકો માટે ભારત સરકારે દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન સમયે આરોગ્ય તપાસ અને કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
વાયબ્રન્ટ ગુજરાત 2022ના ભાગરૂપે દુબઈ ખાતે રોડ શો તથા ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિ મંડળ 8 ડિસેમ્બરે દુબઈ ગયુ હતું. જ્યાં બુધવાર અને ગુરાવારે રોકાણ કર્યું હતું. આ સફળ મલાકાત બાદ સીએમ પટેલ સહિતનું પ્રતિનિધિ મંડળ ગઇકાલે રાત્રે અમદાવાદ પરત ફર્યુ હતું.
ગાંધીનગર સચિવલયમાં કોરોનાની રિએન્ટ્રી
દરમિયાન રાજ્યમાં ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં સચિવાલયમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. બ્લોક નં.1માં સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ પોઝિટિવ આવ્યા છે. આ અધિકારી જયપુર પ્રવાસેથી પરત આવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિવાલયમાં મુલાકાતીઓના પ્રવેશની છૂટ આપ્યા બાદ દરરોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. અધિકારી સંવર્ગમાં પોઝિટિવ કેસ આવતા સચિવાલયમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
459 એક્ટિવ કેસ અને 8 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 876ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 95 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 389 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 459 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 451 દર્દીની હાલત સ્થિર છે.