અમદાવાદ: સરકાર ભલે સૌનો સાથ સૌનો વિકાસની વાત કરતી હોય, પણ અમદાવાદમાં થઈ રહ્યો છે ₹100ના ભાવે સંસ્થાનો વિકાસ. આરોગ્ય સેવા માટે સરકાર ભલે હરણફાળના દાવા કરતી હોય પરંતુ અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એવી GCS હોસ્પિટલમાં સુવિધાઓના બદલામાં મુલાકાતીઓ પાસેથી તોતિંગ પ્રવેશ ફી લેવામાં આવે છે. અને એ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાતીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી જેટલી ફી.. ₹100/- શુ બીમારીની સારવાર કરાવવી અને તે દર્દીની ખબર અંતર પૂછવા જવું એ એક સમાન છે.
સામાન્ય સંજોગોમાં શહેરની મોટાભાગની હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત અને ખતખબર પૂછવા આવતા દર્દીઓના સગા પાસેથી કોઈપણ પ્રકારની વસુલાત કરવામાં આવતી નથી. પરંતુ GCS હોસ્પિટલમાં દાખલ દર્દીની મુલાકાત લેવી હોય તો રૂપિયા 100 ની ઉઘરાણી GCS હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
શહેરની મોટાભાગની હોસ્પિટલમાં દર્દીના સગાઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી વસુલવામાં આવતી નથી પછી ભલે તે ખાનગી હોય કે સરકારી. અગાઉ કેટલાક વર્ષો પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓના સગા પાસેથી મુલાકાત પેટે રૂપિયા પાંચની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરન્તુ વિવાદ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા નિર્ણય પાછો લેવામાં આવ્યો હતો. દિવસ દરમ્યાન દર્દીઓ પાસે કોઈપણ એક સગાને દર્દી પાસે રહેવા માટે એક પાસ આપવામાં આવે છે. અને સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન તમામ લોકોને મુલાકાત માટે જવા દેવામાં આવે છે પરંતુ અહીં GCS હોસ્પિટલમાં 4થી 6 દરમિયાન મુલાકાતીઓ પાસેથી રૂપિયા 100ની ઉઘરાણી જાણે કમાવવા માટેનો નવો કીમિયો થઈ ગયો છે.
GCS હોસ્પિટલમાં દર્દીની મુલાકાત લેવા માટે સગા પાસેથી ઉઘરાવવામાં આવતા રૂપિયા 100ની ફી થી દર્દીઓના સગા ભારે રોષે ભરાયા છે. રખિયાલ વિસ્તરમાં રહેતા રમેશ શાહે જણાવ્યું કે તેમની પત્ની છેલ્લા 4 દિવસથી GCS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સારવાર સારી છે પણ સગાઓ પાસેથી જે રૂપિયા 100 ઉઘરાવવામાં આવે છે તે ખરેખર GCS હોસ્પિટલની તુમાખી છે.
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આરોગ્ય સેવાઓને લઈને આમ પણ ઘણી સમસ્યાઓ રહી છે. ત્યારે GCS હોસ્પિટલ તંત્ર દ્વારા આધુનિક સુવિધાઓનો દાવો કરવામાં આવે છે. પરંતુ આધુનિકતાની આડમાં રૂપિયા 100ની ઉઘરાણી પણ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારના રહેવાસીઓ અને સારવાર માટે આવતા દર્દીઓમાં ભારોભાર હતાશા જોવા મળી રહી છે.