પરંપરાગત સ્વાદિષ્ટ-પૌષ્ટીક આહારને છોડી ભારતના લોકો જંકફુડ,ફાસ્ટફુડ,પેકેટ ફુડ અને કેમીકલયુકત્ ફુડ લઈ રહ્યા છે. જે કેન્સરને આમંત્રણ આપવા સમાન છે. અમેરિકાના ડો.કશ્યપ પટેલે ભારતીય નાગરિકોની બદલાયેલી જીવનશૈલીને લઇને ભારે ચિંતા વ્યકત કરી
મૂળ ગુજરાતના અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામના વતની એવા ડો.કશ્યપ પટેલે અમેરિકામાં કેન્સર સર્જન તરીકે બહુ જ ખ્યાતિ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે
અમદાવાદ,
દસ વર્ષ બાદ ભારતમાં સૌથી વધારે મોતનું કારણ કેન્સર બનશે, વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મોત ભારતમાં થશે. આ પ્રકારની બહુ જ ગંભીર ચેતવણી મૂળ ગુજરાતના અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામના વતની અને હાલ યુએસએના કોરોલીનના વિખ્યાત કેન્સર સર્જન ડો.કશ્યપ પટેલે ઉચ્ચારી છે. તેમણે ભારતના નાગરિકોની બદલાયેલી જીવનશૈલીને લઇને પણ ભારે ચિંતા વ્યકત કરી હતી અને તેને લઇને ચેતવણી આપતાં જણાવ્યું કે, જો ભારતના નાગરીકો પશ્ચિમી સંસ્ક્રુતિ પ્રમાણેની જીવન શૈલીનો મોહ,પ્રદુષિત હવા અને આધુનિક ખોરાક લેવાનું ચાલુ રાખશે તો દસ વર્ષ બાદ વિશ્વમાં કેન્સરના સૌથી વધુ દર્દી ભારતમાં હશે.
કડવા પાટીદાર સમાજના દેત્રોજ ગામના મુળ વતની ડો.કશ્યપ પટેલ છેલ્લા 20 વર્ષથી અમેરીકાના કોરોલીન ખાતે રહે છે. અમેરીકામાં ઓન્કોલેજીસ્ટ ( મોંઢાના કેન્સર)ના સર્જન ડો.કશ્યપ પટેલ અમેરીકામાં પ્રેક્ટીસ કરતા 5000 કરતાં પણ વધારે તબીબોના એસોસીએશનના પ્રેસીડન્ટ છે. કોરોલીન બ્લડ એન્ડ કેન્સર કેર એસોસીએશનના સીઈઓ છે. એટલું જ નહી, તેઓ ઈન્ટર્નેશનલ ઓન્કોલેજી નેટવર્કા મેડીકલ ડાયરેક્ટર તથા ક્લિનીક અફેર્સ ઓફ ધ એસો.ઓફ કોમ્યુનીટી કેન્સર સેન્ટરના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.
તાજેતરમાં જ અમદાવાની મુલાકાતે આવેલા ડો.કશ્યપ પટેલે એક ખાસ વાતચીત દરમ્યાન ભારતના નાગરિકોની જીવન શૈલી, રોગો ખાસ કરીને કેન્સર વિશે મહત્વની વાતો કરતાં જણાવ્યું કે, દસ પંદર વર્ષ બાદ વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મ્રુત્યુ ભારતમાં થશે. ભારતના લોકોમાં પશ્ચિમી સંસ્ક્રુતીનું આધળું અનુકરણ કરવાનું ગાંડપણ ઉપડ્યું છે. પરંપરાગત સ્વાદિષ્ટ-પૌષ્ટીક આહારને છોડી ભારતના લોકો જંકફુડ,ફાસ્ટફુડ,પેકેટ ફુડ અને કેમીકલયુકત્ ફુડ લઈ રહ્યા છે. જે કેન્સરને આમંત્રણ આપવા સમાન છે. ડો.કશ્યપ પટેલે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ભારતના લોકો જેમની આધુનિક જીવન શૈલી,આધુનિક ખોરાક અને પ્રદુષિત હવાનું ગ્રહણ છોડશે નહીં તો આગામી 10-15 વર્ષમાં વિશ્વમાં કેન્સરના કારણે મોતની ઘટનાઓ સૌથી વધારે ભારતમાં બનશે. જે બહુ ચિંતાજનક વાત કહી શકાય…ભારતના નાગરિકોએ પોતાના આરોગ્યને લઇ હવે ભારે સજાગતા સાથે જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને પોતાના રોજિંદા જીવનમાં ખાન-પાન, રહેણી-કરણી સહિતની બાબતોમાં ભારે બદલાવ લાવવાની જરૂર છે. નિયમિત કસરત, યોગ અને ધ્યાન પણ વ્યકિતના આરોગ્યમાં બહુમૂલ્ય યોગદાન આપી શકે છે, તેથી નાગરિકોએ તેને રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઇએ.
કેન્સર સર્જન ડો.કશ્યપ પટેલ અત્યંત આધુનિક દેશમાં રહેતો હોવા છતાં પરંપરાગત ખોરાક અને આધ્યામિકતા પ્રમાણેની જીવનશૈલી પ્રમાણે જ જીવન વીતાવી રહ્યા છે. તેઓ કહે છે કે હું શરુઆતમાં અઠવાડીયામાં 100 કલાક શ્રમ કરતો હતો, ત્રણવાર મેં ઠેકાણા બદલ્યા છે. શ્રીમદ ભગવતગીતાના શ્લોકના ઉચ્ચારણ સાથે જીવનની ફીલોસોફી વ્યક્ત કરતાં કહે છે કે સંઘર્ષથી ક્યારેય જરો નહીં. સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે. સંઘર્ષ પર વિજય મેળવવા અને તેને હરાવવા સતત પ્રયત્નશીલ રહો બસ..
આદ્યાત્મિકતાના આધાર પર સંશોધન
ડો.કશ્યપ પટેલ કેન્સરના દર્દીઓ પર સંશોધન કરે છે. દર્દીને તાંબાના ડોમમાં બેસાડી તેને મંત્રોચ્ચાર, સાધના અને ધ્યાન કરાવવામાં આવે છે. જેના સારા પરિણામો મળી રહ્યા છે. મંત્ર-ધ્યાન અને યોગ દર્દીઓને ઝડપથી રોગમુક્ત થવામાં મદદ કરે છે.તેમને અમેરીકન સરકાર દ્વારા સંશોધન માટે ફંડ પણ મળી રહેશે.
આપણી શાંતી બીજાના હાથમાં ન આપો
આજના વૈજ્ઞાનીક-આધુનિક યુગમાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં હતાશા અને નિરાશા છવાયેલી રહે છે, તેનું રહસ્ય સમજાવતાં ડો.કશ્યપ પટેલ કહે છે કે આપણે જ આપણી જીવનની શાંતી બીજાના હાથમાં આપીને દુઃખી થઈએ છીએ.આપણી જાતને બીજા સાથે કમ્પેર ન કરો. આપણી સંસ્ક્રુતિ અને મુલ્યોને ઓળંગી બહાર જઈએ છીએ,જેના કારણે હતાશા-નિરાશા છવાઈ જાય છે. અમેરીકામાં સોશિયલ મિડિયા પર સતત વ્યસ્ત રહેતા બાળકોને લાઈક ઓછા મળે કે બોડી ઈમેજને લાઈક ન મળે તો તેઓ હતાશ નિરાશ થઈને આત્મહત્યા પણ કરી લેતા હોય છે. ભારતમાં પણ બાળકો દ્વારા થતી આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક છે.
ઉત્સવોને ધામધુમપુર્વક ઉજવોઃ ડો.કશ્યપ પટેલ
સનાતન ધર્મમાં ઉત્સવોની ધામધુમપુર્વક ઉજવણી કરવા પાછળ વૈજ્ઞાનીક કારણો રહેલા છે, ડો.કશ્યપ પટેલ કહે છે કે ઉત્સવોને ધામધુમપુર્વક ઉજવવા જોઈએ.આપણે કલાકો સુધી મહેનત કરીએ છીએ.ઉત્સવોની ઉજવણીના કારણે તનાવ ઓછો થાય છે અને જીવન આનંદિત બને છે, કોરોના કાળમાં ઘરમાં પુરાઈ રહેલા લોકો દ્વારા આત્મહત્યા કરવાની ઘટનાઓમાં વધારો થયો હતો.
ધર્મ-દેશ અને સમાજ પ્રત્યેની ફરજો નિભાવો
ડો.કશ્યપ પટેલ કહે છે કે દરેક લોકોએ દેશ, સમાજ અને ધર્મ પ્રત્યેની ફરજોને નિષ્ઠાપુર્વક નિભાવવી જોઈએ.મન-કર્મ અને વચનને અનુસરો,ભગવત ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરીને તેઓ કહે છે કે હું અમેરીકામાં રહીને પણ ભારતના યુવાનો તથા સમાજની ચિંતા અને ચિંતન કરું છું. જરુરીયાત પ્રમાણે વતનમાં સગવડો ઉભી કરવા પ્રયાસ કરું છું. હું દરેકને મેસેજ આપું છું કે મારે અમેરીકાના તમામ રાજકીય નેતાઓ સાથે સંબંધો છે, સુખવૈભવ છે, માન-સન્માન મળે છે છતાં પણ સનાતન ધર્મના નૈતિક મુલ્યોને ભુલતો નથી.તેમ દરેક લોકોએ સનાતન ધર્મના મુલ્યોને અનુસરવું જોઈએ.
ડો.કશ્યપ પટેલ છે આધ્યાત્મિક લેખક અને ફોટોગ્રાફર
ડો.કશ્યપ અમેરીકાના પ્રખ્યાત સર્જન છે, સાથે આધ્યાતિમક લેખો પણ લખે છે,તેમણે બીટવીન લાઈફ એન્ડ ડેથ ફ્રોમ ડિસ્પેઅર ટુ હોપ નામનું પુસ્તક લખ્યું છે.જે પુસ્તકમાં અજાણ્યો મુકામ(અજ્ઞાત સ્થળ), જીવન મ્રુત્યું નું ચક્કર,મ્રુત્યુ શું છે, સ્વપ્ન ચકનાચુર, મૃત્યુ-તમે ગુમાવો છો આજે, મૃત્યુ પર વિશ્વાસ,આરંભનો અંત અને અંતનો આરંભ,ઉંચી ઉડાનની તૈયારી,અનેક શરીર એક આત્મા,નીતિ ભ્રષ્ટતા અંગે એક સવાલ,ચોથું પરિમાણ અને અનંતકાળ(શાશ્વત)ઉડાન જેવા ગહન વિષય ધરાવતા આદ્યાતિમકતા સભર આર્ટીકલ્સ પ્રકાશિત કરાયા છે,આ ઉપરાંત ડો.કશ્યપ પટેલે અસંખ્ય ફોટોગ્રાફ પણ ક્લિક કર્યા છે. જે ફોટોગ્રાફનું પ્રદર્શન પણ યોજાયું હતું.મહત્વની વાત એ છે કે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સહિતના મોટાભાગના તમામ રાજકીય નેતાઓ સાથે તેઓ ઘરોબો ધરાવે છે અને તેમની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં બહુ લોકપ્રિય થઇ છે. તેમને અનોખી સિધ્ધિ અને બહુમૂલ્ય યોગદાન બદલ લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે.