કેપસ્યુલ ખાઈને ડ્રગ્સની હેરાફેરી નો છેલ્લા 10 દિવસમાં બીજો મામલો
અગાઉ પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું હતું
હિમાંશુ વોરા, 25મી ફેબ્રુઆરી 2022
અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી માટે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોટ સ્પોટ બન્યું લાગે છે. છેલ્લા 10 દિવસમાં કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરીનો બીજો મામલો નોંધાયો. કેનિયાથી આવતી એક ફલાઈટમાં 23મી ફેબ્રુઆરીની વહેલી સવારે 6:00 વાગ્યાના સમયે ટર્મિનલ-2ના ગ્રીન ચેનલમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે કેનિયન યુવતીની કસ્ટમના અધિકારીઓએ શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે કેનિયન યુવતીએ કબુલ્યું કે તેના પેટમાં કોકેઇનની કેપસ્યુલ્સ છે. પરિણામે યુવતી ને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી.
કોર્ટમાં કેનિયન યુવતીને પ્રોડ્યુસ કર્યા બાદ યુવતીના પેટમાંથી ડ્રગ્સની કેપસ્યુલ્સ બહાર કાઢવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે લઈ જવામાં આવી. જ્યાં એક્સરેમાં કંઈક અજુગતું લાગતા યુવતીની સોનોગ્રાફી કરવામાં આવી હતી, તપાસમાં યુવતીના પેટમાં કેપસ્યુલનો જથ્થો જોવા મળ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટર્સ દ્વારા કેનિયન યુવતીના પેટમાં રહેલી કેપસ્યુલ્સ બહાર કઢાવવા કુદરતી હજાત માટે એનિમિયાનો સહારો લેવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના સૂત્રો મુજબ અચાનક પેટમાં રહેલી ડ્રગ્સની કેપસ્યુલ્સ ફાટી જતા મોટા પ્રમાણમાં ડ્રગ્સ કેનિયન યુવતીના શરીરમાં પ્રસરી ગયું હોવાની શક્યતા છે. પરિણામે 24મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ જાણે ડ્રગ્સની હેરાફેરી માટે હોટ સ્પોટ બન્યું હોય તેમ જણાય આવે છે. અગાઉ પણ 16મી ફેબ્રુઆરીના રોજ યુગાન્ડાથી આવતું એક કપલ પણ આજ પ્રકારે ડ્રગ્સ કેપસ્યુલ્સની હેરાફેરી કરતું ઝડપાયું હતું જેમના પેટમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સની કેપસ્યુલ્સ બહાર કાઢવામાં આવી હતી. જયારે આ બીજા કિસ્સામાં કેનિયન યુવતીના મૃત્યુ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.