GCRI ડોકટર્સ ટીમ દ્વારા સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર વિશે જાગૃતિ સાથે સારવાર
અમદાવાદ: અમદાવાદ મેડિકલ હબ બની રહ્યું છે ત્યારે બીજી તરફ દાક્તરી સારવાર મોંઘી પણ બની રહી છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને રખિયાલ, બાપુનગર, ગોમતીપુર, રાજપુર, અમરાઇવાડી, સરસપુર અને ઓઢવ સહિતના શ્રમજીવીઓ માટે ઓજસ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા ગરીબ દર્દીઓ માટે સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના દર્દની ફરિયાદ લઈને પહોંચ્યા અને ફ્રી સારવાર, દવાઓ અને આરોગ્ય જાગૃતિ કેળવી.
ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો. હસમુખ સોનીના માર્ગદર્શનમાં યોજાયેલ આ મેડિકલ સેવાયજ્ઞમાં GCRIની વિશેષ ટીમ દ્વારા મહિલાઓમાં થતા સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરના 100થી વધુ દર્દીઓની મેમોગ્રાફી અને પેપ્સમેયર તપાસ અને સારવાર કરવામાં આવી.
સંજીવની લાઈફ બીયોન કેન્સર કૂરડીનેટર ઇલાબેન વોરાએ જણાવ્યું કે, અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આરોગ્ય અને જાણવણી બાબતે લોકોમાં માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે. મહિલાઓમાં શારીરિક સ્વચ્છતા પણ ઓછી જોવા મળી રહી છે પરિણામે ગાયનેક, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ અમદાવાદ પશ્ચિમ કરતા વધુ જોવા મળે છે. જો પૂર્વની મહિલાઓમાં જાગૃત કરવામાં આવે તો આવા પ્રકારની ગંભીર બીમારીઓ ટાળી શકાય છે.
ઓજસ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલ આરોગ્ય સેવાયજ્ઞમાં ડો. હસમુખ સોની, ડો. યેશા સોની, ડો. હિરલ મુંજાની, ડો. કરણ શાહ, અને ડૉ. ખુશ્બુ સોની સહિત મોટી સંખ્યામાં ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી. જ્યાં 100થી વધુ મેમોગ્રાફી કરવામાં આવી સાથે સાથે પેપ્સમેયર તપાસ પણ કરવામાં આવી. જનરલ મેડિસિન વિભાગમાં 150થી વધુ દર્દીઓને દવા અને સલાહ આપવામાં આવી. ડેન્ટલ વિભાગમાં 50થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી વિનામૂલ્યે તેમના દાંતોની બીમારીની તપાસ માટે એક્સરે પાડી દવા અને સલાહ આપવામાં આવી જ્યારે ગાયનેક વિભાગમાં પણ 50થી વધુ દર્દીઓની તપાસ સારવાર અને સલાહ આપવામાં આવી. ઉનાળાની શરૂઆતની સાથે ચામડીના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે 30થી વધુ દર્દીઓને ચામડીની બીમારીઓની સારવાર દવા અને સલાહ આપવામાં આવી.
ઓજસ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સેવાયજ્ઞના માર્ગ દર્શક ડો. હસમુખ સોનીએ જણાવ્યું કે ચેતતા નર સદા સુખી માટે જ સમાજને રોગ મુક્ત રાખવા આવા પ્રકારના સેવાયજ્ઞ કરવાથી અમદાવાદ પૂર્વમાં વસતા શ્રમજીવીઓને આરોગ્યની જાગૃતિ અને જરૂરિયાતમંદ લોકોની વિનામૂલ્યે સારવાર અને દવાની વ્યવસ્થા કરવાથી નિરોગી સમાજની સ્થાપના તરફ એક પગલું છે. ભૂતકાળમાં પણ ઓજસ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા આવા આરોગ્ય સેવાયજ્ઞ કરવામાં આવ્યા છે. અને આવનારા દિવસોમા વધુ આરોગ્યલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે…