એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં ૯૨ અને ૨૨ તબીબી શિક્ષકોના હુકમ ૩૦ મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે
જી.એમ.ઇ.આર.એસ.તબીબોને ન્યુ પેન્શન સ્કીમ ઉપરાંત C.A.S. તથા ટીકુ કમીશનનો લાભ ૩૦જૂન સુધીમાં આપવામાં આવશે
આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સને 7 માં પગારપંચનો લાભ આપવા અલાયદી દરખાસ્ત કરવામાં આવી
રાજ્યના સરકારી તબીબો દ્વારા આરોગ્ય વિષયક માંગણીઓને મુંઝવતા પ્રશ્નો સંદર્ભે કરવામાં આવેલી હડતાળનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના સરકારી તબીબો અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાથે પરામર્શ કરીને સુખદ અંત લાવવામાં આવ્યો છે.
રાજ્યની આરોગ્ય સેવાઓને અવિરત કાર્યરત રાખી ગુજરાત ગવર્નમેન્ટ ડૉકટર્સની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરવામાં આવશે તેમ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
આરોગ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે, ગઇ કાલે સરકારી ડૉકટર્સના પ્રશ્નો સંદર્ભે માંગણીઓ સ્વીકારીને રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં 4 થી 5 બાબતો અંગે તબીબોને મુંઝવણ હતી જેને વિગતવાર ચર્ચા કરી તબીબો સાથે પરામર્શ કરીને દૂર કરવમાં આવી છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું કે, તબીબોની એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30 મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે.
જી.એમ.ઇ.આર.એસ.ના તબીબોને ન્યુ પેન્શન સ્કીમના લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તબીબોને C.A.S. (કેરી પર એડવાન્સમેન્ટ સ્કીમ) તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સ ને 7 માં પગારપંચ નો લાભ આપવામાં હકારાત્મક અભિગમ દાખવીને અલાયદી દરખાસ્ત કરવામાં આવી છે.
રાજ્યના દંતશિક્ષકો અને આયુષના શિક્ષકો, વૈધો માટે N.P.A. માટે અલગથી વિચારણા કરવામાં આવશે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, તબીબોની માંગણીઓનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરીને નિયતસમયમર્યાદામાં નિરાકરણ લાવવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે.
હડતાળ સમેટાયા બાદ ગુજરાત મેડિકલ ટીસર્ચ એસોશિએશનના પ્રમુખ ડૉ. રજનીશ પટેલે મીડિયા સમક્ષ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારે રાજ્યના તબીબો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ માંગણીઓનો સ્વીકાર કર્યો છે. જે બદલ રાજ્યના તમામ તબીબો વતી સરકારનો શ્રી પટેલે આભાર માન્યો હતો. આરોગ્યમંત્રી શ્રી ના હ્યદયસ્પર્શી અભિગમ અને કોઠાસૂઝના પરિણામે રાજ્યના તબીબોની માંગણીઓને ન્યાય મળ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.