આગામી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, “હિન્દૂ-મુસ્લિમ એક હે” ના નારા સાથે શરુ કરાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ! મહંત -મૌલવી સહીત અમદાવાદના મેયર અને પોલીસ કમિશ્નર રહ્યા ઉપસ્થિત
અમદાવાદ શહેરમાં આગામી જગત ના નાથ ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ શહેરની પોલીસ રથયાત્રાના માર્ગ ઉપર રૂટ મેપ સાથે મેગા કોમ્બિંગ કર્યું હતું. તેમજ રથયાત્રામાં નાગરિકોની
સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ ચુક્યો છે. આ સંદર્ભમાં અમદાવાદ પોલીસ તંત્ર કોઈપણ કચાસ છોડવા માંગતુ નથી.
બીજીતરફ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક અનોખું કાર્ય હાથ ધરાયું હતું. જેમાં પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારના બોમ્બે હાઉસિંગ ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હિન્દૂ- મુસ્લિમ બંને ધર્મના લોકો વચ્ચે ભાઈચારો બની રહે અને કોઈપણ જાતનો ભેદભાવ ના રહે તેના માટે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન પાછળ મુખ્ય ઉદ્દેશય બંને સમુદાયો વચ્ચે કોઈ આંતરિક મતભેદ કે ભેદભાવ ના રહે અને જે રીતે ક્રિકેટ મેચમાં ખેલાડીઓ સાચી ખેલદિલી ની ભાવના થી રમતા હોય છે, તેવીજ રીતે દરેક વ્યક્તિએ દરેક સમાજના લોકોએ સર્વધર્મ એક સમાન હોઈ એક બીજાના ધર્મ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે પ્રેમ ભાવનાની લાગણી રાખવી જીવનમાં ખુબજ જરૂરી છે.જેથી કરીને હિન્દૂ- મુસ્લિમ ની એકતા કાયમ માટે બની રહે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ મહારાજ, અને મુસ્લિમ સમાજના મૌલવી, મોલાના અમદાવાદના મેયર કિરીટ પરમાર અને આગેવાનો ઉપસ્થિત રહીને હિન્દૂ -મુસ્લિમ એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અમદાવાદ પોલીસ પ્રેરિત એકતા ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત દીપપ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ, અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, જોઈન્ટ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી, સેક્ટર 1 રાજેન્દ્ર અસારી, DCP ઝોન 5 બળદેવ દેસાઈ, DCP ઝોન 6 અશોક મુનિયા, તેમજ DCP ઝોન 1 લવિના સિન્હા, તથા મુસ્લિમ સમાજના મૌલવી અને મેયર કિરીટ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ શહેરની પોલીસ દ્વારા ખુબજ સુંદર આયોજન કર્યો હતો. જેમાં તમામ ઝોનના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ઇન્સ્પેકટેરો, પીએસઆઈ, તેમજ પોલીસકર્મીઓ મહિલા પોલીસે ખડે પગે રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંહફાળો આપ્યો હતો. તો કાર્યક્રમના અંતમાં મુસ્લિમ સમાજના મૌલવી દ્વારા ખુબજ સુંદર રીતે સભામાં ઉપસ્થિત લોકોને સંબોધન આપી હિન્દૂ -મુસ્લિમ ભાઈ ભાઈ હોવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેવીજ રીતે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલિપદાસ મહારાજ દ્વારા પણ ઉપસ્થિત સમસ્ત પોલીસકર્મીઓ, રમતવીરો અને આમ જનતાના માણસોને દરેક ધર્મ વિશે માન સન્માન અને પ્રેમભાવના રાખવાની સમજણ આપી હતી. સંબોધન કર્યા બાદ તમામ મહાનુભાવોએ ક્રિકેટના મેદાનમાં જઈને ક્રિકેટ રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. તો સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત લોકોના મુખે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને સમગ્ર અમદાવાદ શહેર પોલીસના સહયોગથી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટની સુંદર પહેલના કારણે હિન્દૂ મુસ્લિમ એકતા કા રાજ ચલેગા, હિન્દૂ મુસ્લિમ સાથ ચલેગાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.