ધોરાજી: 06’11’2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. દરમિયાન રાજકીય પક્ષોએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ તેની વચ્ચે ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે. તેમણે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાની વાત કરી છે. તેઓ ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય છે અને ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળે છે. તેમણે જાહેર મંચો પર લોકોને કહ્યું છે કે તમને મત આપવાને બદલે ભારતીય જનતા પાર્ટીને મત આપો. આપનો વિરોધ કરવા જતા ભાજપની તરફેણ કરી હોય તેવું લાગી રહ્યું છે. પ્રચાર દરમિયાન ત્યાં બેસેલા લોકો પણ આ નિવેદન સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા.
લલિત વસોયાએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં ગુજરાત પરિવર્તન યાત્રા મારા વિસ્તારમાં હતી જાહેર સભામાં અમારા દિગ્ગજ નેતાઓ હાજર હતા. હું જે બોલ્યો તે એમ હતું કે ધોરાજી ઉપલેટા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એ તાકાત નથી કે અહિંયા કોંગ્રેસને કે લલિત વસોયાને હરાવી શકે. એટલા માટે ભાજપ તેની બી ટીમ એટલે આમ આદમીને અમારા વિસ્તારમાં ચૂંટણી લડવા માટે લઈને આવી છે. આમ આદમી પાર્ટીને શું કામ કરવું, શું નહીં તેની નીતિ ભાજપમાંથી નક્કી થાય છે. લોકોને ગેરંટી કાર્ડના નામે કયા મતદારોને ક્યાં સમજાવવા જવા એની પણ નીતિ ભાજપમાં નક્કી કરવામાં આવે છે. હું બધાને અપિલ કરું છું કે આવી છેતરામણી પાર્ટીથી છેતરાવવાના બદલે જો તમને એમ લાગતું હોય કે લલિત વસોયાએ અહિંયા સારા કામ નથી કર્યાં તો ભાજપને મત આપી દો બાકી આવા છેતરપિંડીબાજોને મત ન આપો.
જણાવી દઈએ કે લલિત વસોયા અગાઉ પણ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા તેના પર તેઓ નિવેદન આપતા જણાવ્યું કે, પ્રથમ રાજ્યસભાની ચૂંટણીમાં પણ લલિત વસોયા ભાજપમાં જાય છે, બીજી રાજ્યસભાની ચૂંટણીમાં પણ લલિત વસોયા ક્રોસવોટ કરવા ભાજપમાં જવાના છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લલિત વસોયા ક્રોસ વોટિંગ કરે છે, લલિત વસોયા ભાજપ નેતા સાથે જોવા મળ્યા છે, મારો કહેવાનો મતલબ એવો છે કે મારા વિસ્તારમાં કોઈ પાર્ટીનો કાર્યક્રમ હોય અને હું ન જઉં તેવું ન બને. સોશિયલ મીડિયામાં જે પ્રકારના વીડિયો વાયરલ થાય છે તેને લઈને મારી વિશ્વનિયતા પર લોકો અને મારી પાર્ટી શંકા કરે છે. હું પહેલા પણ ખુલાસો કરી ચૂક્યો છું કે હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું.