દિલ્હી:12’12’2022
અરુણાચલ પ્રદેશના ત્વાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં બંને દેશના સૈનિકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. આ ઘર્ષણ તાજેતરમાં તવાંગ નજીક થયુંહતું. ભારતીય સેના તરફથી સત્તાવાર નિવેદનની હાલ રાહ જોવાઈ રહી છે. ઓક્ટોબર-2021માં અરુણાચલ પ્રદેશના યાંગસેમાં બંને દેશના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો. આ અથડામણમાં ભારતના 30થી વધુ જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. તો બીજી તરફ ચીનના પણ ઘણા સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના 9મી ડિસેમ્બરના રોજ બની હોવાનું સૂત્રો દ્વાર માહિતી મળી છે. ભારતી સૈનિકોએ પણ ચીનના જવાનો સામે મક્કમતાથી સામનો કર્યો હતો. ત્યાર બાદ તુરંત જ બંને દેશના સૈનિકો પોત-પોતાના વિસ્તારમાં જતા રહ્યા હતા.
ભારતીય સૈનિકોએ કર્યો જોરદાર વિરોધ
અહેવાલો અનુસાર તવાંગમાં LAC સુધી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન ત્યાં તૈનાત ભારતીય સૈનિકોએ ચીની સૈનિકો સામે જોરદાર વિરોધ કર્યો હતો, ત્યારબાદ બંને દેશના જવાનો વચ્ચે અથડામણ થઈ હોવાના સૂત્રો દ્વારા માહિતી મળી છે. જો કે, ભારતના સૈનિકોએ LAC સુધી પહોંચવાની પ્રયાસ કરી રહેલા ચીની સૈનિકોને ખદેડી દીધા હતા.
ઘટના બાદ ફ્લેગ મિટિંગ યોજાઈ
આ ઘટના બાદ આ વિસ્તારમાં ફરી શાંતિ સ્થાપવા માટે ભારતીય સેનાના કમાન્ડર અને ચીની કમાન્ડરે નિર્ધારિત પ્રક્રિયા અનુસાર ફ્લેગ મીટિંગ યોજી હતી.
બંને દેશોના સૈનિકો વચ્ચે 2020માં પણ થઈ હતી મોટી અથડામણ
15 જૂન-2020માં થયેલી ઘટના બાદ આ પ્રકારની પહેલી ઘટના છે. તે દરમિયાન લદ્દાખની ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહિદ થયા હતા અને ઘણા સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અથડામણમાં ચીનના પણ ઘણા સૈનિકો માર્યા ગયા હતા.
બંને દેશોના સૈનિકો વચ્ચે તવાંગમાં અવાર-નવાર ઘર્ષણ
અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં LAC સાથેના કેટલાક વિસ્તારોમાં બંને દેશો પોત-પોતાના દાવા મુજબની હદ સુધી પેટ્રોલિંગ કરતી રહે છે, જે 2006થી ચાલતુ આવ્યું છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતના અને ચીનના સૈનિકો વચ્ચે અવારનવાર નાની-મોટા ઘર્ષણ થતા રહે છે. આ પહેલીવાર નથી જ્યારે અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સામ-સામે આવી હોય. ઑક્ટોબર 2021માં પણ આવી જ ઘટના થઈ હતી. આ ઘટના દરમિયાન કેટલાક ચીનના સૈનિકોને ભારતીય સૈનિકોએ યાંગસેમાં થોડા કલાકો માટે અટકાવી લીધા હતા.