શ્વાસનળીમાં કાણું પડવાના કારણે ફેફસામાં હવા ભરાઇ જતા મોહિનને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ થવા લાગી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાંથી સોફ્ટબોર્ડ પીન સાવચેતીપૂર્ણ બહાર કાઢીને સર્જરી પાર પાડી
રાજયના દરેક વાલીને પીન, ટાંકણી જેવી વસ્તુઓ બાળકોથી દૂર રાખવા અનુરોધ કરતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી
અમદાવાદ: 24’12’2022
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ 10 વર્ષના બાળકને મોતના મુખમાંથી ઉગારીને પીડામુક્ત કર્યો છે. મૂળ દાહોદના રહેવાસી સાજીદ અલીના 10 વર્ષીય પુત્ર મોહિન અલી સાથે ખૂબ જ દયનીય ઘટના ઘટી હતી.
મોહિનખાન ખેતરમાં રમી રહ્યો હતો. જ્યાં રમત રમતમાં તે સોફ્ટ બોર્ડની પીન ગળી ગયો .આ પીન ગળી ગયા બાદ ત્રણ દિવસ સુધી તો તેણે કોઇને જાણ ન કરીં. જેના પરિણામે તેને સતત ઉધરસની તકલીફ થવા લાગી. એકાએક છાતીમાં દુખાવો થતા તેણે પીતાને જાણ કરી. જ્યાં સુધી તો આ સમસ્યા વઘુ ગંભીર અને વિકરાળ બની ગઇ હતી.મોહિનને શ્વાસ લેવામાં પણ સમસ્યા થવા લાગી હતી. જેનાથી પરિવારજનો ચિંતીત બન્યાં.
પ્રાથમિક તપાસ અર્થે દાહોદ અને ત્યારબાદ વડોદરા ખાતેની હોસ્પિટલમાં પરિવારજનો મોહિનને નિદાન અર્થે લઇ ગયા.
આ પ્રકારની સમસ્યા અત્યંત જટિલ અને તેની સર્જરી પડકારજનક જણાઇ આવતા વડોદરાના તબીબોએ મોહિનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા કહ્યું.મોહિનના પિતા ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર અર્થે લઇ આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 18 મી ડિસેમ્બરે પહોંચ્યા ત્યારે તેનું એક્સ-રે અને સી.ટી. સ્કેન કરવામાં આવ્યું. આ રીપોર્ટમાં સોફ્ટ બોર્ડ પીન શ્વાસનળીમાં ફસાયેલી હોવાનું જણાઇ આવ્યું. જેની સર્જરી કરવી અતિઆવશ્યક હતી.
બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અને ડૉ. અનીઝ રતાણી તેમજ એન્સેશિયા વિભાગમાંથી ડૉ. અનીષા ચોક્સી અને તેમની ટીમે 21મી ડિસેમ્બરે મોહિનની સર્જરી કરવાનો નિર્ણય કર્યો. બ્રોન્કોસ્કોપિ સર્જરી દ્વારા શ્વાસનળીમાં ફસાયેલી પીન બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.
આ સર્જરી દરમિયાન જોવા મળ્યું કે પીન જમણા ફેફસામાં ભરાઇ જતા ફેફસામાં કાણું પડી ગયું હતુ.એક કલાકની ભારે જહેમત બાદ ખૂબ જ તકેદારીપૂર્ણ સર્જરી હાથ ધરીને પીનને સાવચેતીપૂર્ણ બહાર કાઢવામાં તબીબોને અંતે સફળતા મળી.
ડૉ. રાકેશ જોષી અને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, ભૂતકાળમાં પણ બાળકોમાં રમતરમતમાં પત્થર, સ્ક્રુ, એલ.ઇ.ડી. બલ્બ, લખોટી જેવી વસ્તુઓ ગળી જવાના કિસ્સા અમારી સામે આવ્યા છે અને અમારી ટીમે આ પ્રકારની જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.
મોહિનખાનના કિસ્સામાં પીન ફેફસામાં ફસાયેલી અને તેમાં પણ કાણું પાડી દીધું હોવાથી તેને પૂર્વવત કરવું અત્યંત જટીલ બની રહ્યું હતુ. પરંતુ અમારી ટીમની નિપૂણતાના પરિણામે મોહિનખાનને પીડામુક્ત કરવામાં અમને સફળતામળી છે. ડૉ. જોષીએ આ કિસ્સાના માધ્યમથી રાજ્યના દેરક માતા-પિતાને નાના બાળકોથી આ પ્રકારના ફોરેન બોડી એટલે કે ટાંકણી, પીન, વગેરે ખૂબ જ દૂર ના અંતરે રાખવા માટે અનુરોધ કર્યો છે.