રીતેશ પરમાર(ક્રાઇમ રિપોર્ટર)
ગત તારીખ 11/1/2021 ના રોજ રાજકોટ ગ્રામ્યના જેતપુર તાલુકાનાં થાણાગાલોલ થી જેતપુર જવાના રસ્તે રાત્રે સવા આઠ વાગ્યાના સમયે નીરવભાઈ દિનેશભાઇ ચાવડા (રહે. ઉપલેટા રાજકોટ ) નામનો શખ્સ પોતાના શેઠની સ્વીફ્ટ કાર લઈને જતો હતો ત્યારે રસ્તામાં ઉભેલા અજાણ્યા ત્રણ શખ્શોએ હાથ બતાવી તેની કાર થોભાવી હતી.વાહન ચાલકે કાર રોકતાની સાથે ત્રણે શખ્શોએ તેને ગાડીમાંથી બહાર કાઢી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. કાર ચાલક નીરવ ચાવડા કઈ સમજે તે પહેલા તેને નીચે પાડી દઈને લૂંટારા શખ્સો સ્વીફ્ટ કાર અને કારની અંદર પડેલા રોકડ રૂપિયા 30 હજાર તથા ગાડીમાં રહેલ નીરવ ચાવડાના મોબાઈલની લૂંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.જેની ફરીયાદ નીરવ ચાવડાએ નોંધાવી હતી.
રાજકોટ ગ્રામ્યના જેતપુર તાલુકામા ખુલ્લેઆમ ચલાવેલ લૂંટના કારણે સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ ત્યાંના નાગરિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.સ્થાનિક મીડિયામાં આ લૂંટનો મુદ્દો વધારે ચગી જતા રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મિણા અને જેતપુર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ અસરકારક કામગીરી કરી લૂંટના ગુનાને ડિટેક્ટ કરવા કડક સૂચના આપી હતી.ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલી સૂચનાના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એલ. સી. બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ગોહિલ તથા પીએસઆઈ વી. એમ કોલાદરા એ જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ કરીને લૂંટના આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી હતી.
પોલીસ તપાસ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે લૂંટ ચલાવી ફરાર થયેલા ત્રણેય આરોપી (1) પ્રકાશભાઈ ગોવિંદભાઇ વારોતરીયા જાતે આહીર રહે.ઘાટલોડિયા અમદાવાદ તેમજ ઉપલેટા રાજકોટ (2) જીતેન્દ્રભાઈ રમણીકભાઇ અગ્રાવત બાવાજી રહે. ઉપલેટા રાજકોટ અને (3) નીરવભાઈ દિનેશભાઇ ચાવડા રહે. ઉપલેટા રાજકોટ ને રાજકોટ ગ્રામ્ય એલ. સી. બી. પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી લૂંટ કરેલ
(1)સ્વીફ્ટ કાર
(2)25000 રોકડ રકમ
(3)એક મોટર સાઇકલ
(4)3 મોબાઈલ ફોન આમ કુલ 3,12,500 નો મુદ્દામાલ કબ્જે કરી વણશોધાયેલ લૂંટનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી.ઉલ્લેખનિય છે કે આ લૂંટની ઘટના એક ષડયંત્ર હતું, કારણકે રાજકોટ ગ્રામ્ય એલ. સી. બી. એ આ લૂંટની ઘટનામા ઝીણવટ ભરી તપાસ કરતા ફરીયાદી પોતે આરોપી નીકળ્યો છે. આરોપી નીરવે પોતાના અન્ય બે સાગરીત પ્રકાશ આહીર અને જીતેન્દ્ર અગ્રાવત સાથે મળી લૂંટ કરવાનું પ્લાન ઘડી કાઢ્યો હતો, પણ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પીઆઈ એ. આર. ગોહિલ અને પીએસઆઈ વી. એમ. કોલાદરાની સૂઝબુઝ અને સચોટ કામગિરીના લીધે લૂંટના ષડયંત્રનો પર્દાફાશ કરી ખુબજ પ્રશંસનિય કામગીરી કરી હતી.