સવાર-સાંજ ભોજન માટે બ્રેડના માત્ર બે ટુકડા આપવામાં આવતા હતાઃ શરૂઆતના બે મહિના સુધી તેને ડાર્ક રૂમમાં કેદ રાખવામાં આવ્યો હતો
મક્કાની મસ્જિદ અલ હરમમાં કાબાની સામે ભારત જોડો યાત્રાના પોસ્ટરને લહેરાવવું મધ્યપ્રદેશના નિવારી જિલ્લાના યુવા કોંગ્રેસ નેતાને મોંઘુ પડ્યું હતું. આના પર સાઉદી અરબ પોલીસે તેની ધરપકડ કરી હતી અને આઠ મહિના સુધી તેને જેલમાં રાખ્યો હતો. તેનું કહેવું છે કે તેને જેલમાં ટોર્ચર કરવામાં આવ્યો હતો.
લાંબી પૂછપરછ બાદ સાઉદી પોલીસની કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ, તે ૩ ઓક્ટોબરના રોજ ઘરે પરત ફરવામાં સફળ રહ્યો હતો. નિવારી જિલ્લાના રહેવાસી રઝા કાદરી અહીં યુથ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ છે. તેના કહેવા મુજબ તે આ વર્ષે જાન્યુઆરીમાં મક્કા ગયો હતો.
૨૫ જાન્યુઆરીના રોજ, તેમણે મસ્જિદ- અલ-હરમમાં કાબાની સામે ફોટોગ્રાફ મેળવ્યો, જેમાં ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતળત્વમાં આયોજિત ભારત જોડો યાત્રાનું પોસ્ટર દર્શાવવામાં આવ્યું હતું. આ પછી આ ફોટો ઇન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટર તે પોતાની સાથે લઈ ગયો હતો.
કાદરીએ જણાવ્યું કે બીજા દિવસે જ્યારે તે સાઉદીની એક હોટલમાં રોકાયો હતો ત્યારે ત્યાંની પોલીસ તેના રૂમમાં પહોંચી અને તેને કહ્યું કે તેઓ વીઝા કંપનીમાંથી આવ્યા છે. તેમની સાથે વાત કરવી છે. આ પછી પોલીસે તેને બેભાન કરી દીધો અને તેની ધરપકડ કરી.
જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તે એક પોલિટિકલ એજન્ટ છે અને તેણે કોંગ્રેસના પોસ્ટર લહેરાવીને સાઉદી અરેબિયાનો કાયદો તોડ્યો છે. આ પછી તેને ધાબાનની સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યો હતો.
રઝા કાદરીના કહેવા પ્રમાણે, તેને જેલમાં ટોર્ચર કરવામાં આવ્યો હતો. સવાર-સાંજ ભોજન માટે બ્રેડના માત્ર બે ટુકડા આપવામાં આવતા હતા. શરૂઆતના બે મહિના સુધી તેને ડાર્ક રૂમમાં કેદ રાખવામાં આવ્યો હતો અને સાઉદી પોલીસ દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. તે આખી રાત જાગતો રહેતો અને લાઇ ડિટેક્ટર ટેસ્ટ દ્વારા પ્રશ્નોના જવાબ આપતો હતો.
છ મહિના સુધી ધહાબાન જેલમાં કેદ રહ્યા બાદ તેને શુમાઈસી ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવ્યો હતો. કાદરીએ જણાવ્યું કે થોડા દિવસો પછી એક એજન્ટ તેને મળવા આવ્યો, જેને તેના પરિવારના સભ્યોએ મોકલ્યો. એજન્ટના પ્રયાસોને કારણે, તે ૩ ઓક્ટોબરના રોજ જેલમાંથી મુક્ત થયો હતો અને સાઉદી અરેબિયાથી ભારત પરત આવી શકયો હતો.