દારૂ ઓન યોર ડોર સ્ટેપ! બસ હવે આ જ સેવા બાકી હતી દારૂની હેરાફેરી માટે કુરિયર સર્વિસ

ડભોડા પોલીસે ડી.ટી.ડી.સી કુરિયરના ગોડાઉનમાંથી દારૂ પકડ્યો
પોલીસે ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી
ગાંધીનગર: રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ હોય તે પ્રકારે દારૂનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પોલીસ દ્વારા લાખ ચેકીંગ, નાકાબંધી કે પછી દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવતી હોય પણ દારૂના સપ્લાયર નવા નવા કિમીયા કાઢી જ લે છે.
ગાંધીનગર તાલુકાના ડભોડા પોલીસની હદમાં ગોડાઉનમાં આવેલા DTDC કુરિયર કંપનીના ચાર પાર્સલમાંથી દુર્ગંધ યુક્ત પ્રવાહી નીકળતું હોવાની જાણકારી ગોડાઉનના મેનેજર દ્વારા પોલીસને આપવામાં આવી હતી. જેથી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ચારેય પાર્સલમાંથી દારૂ મળી આવ્યો હતો. આ મામલે ત્રણ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કુરિયરમાં દારૂનું પાર્સલ મોકલવામાં કુરિયર કંપનીના કર્મચારીઓની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
રણાસણ રેલવે ફાટક પાસે આવેલા ડી.ટી.ડી.સી કુરિયરના ગોડાઉનમાં આવેલા પાર્સલમાંથી કંઇક પ્રવાહી જેવું નીકળતાં અને તે પુષ્કળ દુર્ગંધ મારતું હોવાથી, જે શંકાસ્પદ પ્રવાહી મામલે ગોડાઉનના વિજિલન્સ મેનેજર પિયુષકુમાર સોમચંદ્ર પરમારે ડભોડા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ ચાર પાર્સલો ખોલી તેમાં તપાસ કરતા દારૂની બોટલો મળી આવી હતી. જેમાંથી કેટલીક બોટલો ફૂટી જતા તેની વાસ આવતી હતી. પોલીસે અલગ અલગ 94 બોટલો ડી.ટી.ડી.સી કુરિયરના પાર્સલમાંથી કબજે લીધી હતી.
આ દારૂ મોકલનાર રાધે જનરલ સ્ટોર (એપલ ટાઉનશીપ શાંતિપુરા ચોકડી સાઉથ બોપલ અમદાવાદ શહેર), અલ્પેશ (અશોક વિહાર, ગુરુગ્રામ, સેન્ટ્રલ દિલ્હી) તથા જયદીપ પટેલ (ગુજરાત હાઉસિંગ બોર્ડ પટેલ મીલ યુનિવર્સિટી રાજકોટ શહેર) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રીતે કુરિયરમાં દારૂની હેરાફેરીનો પ્રથમ કિસ્સો છે. આ સમગ્ર પ્રકરણમાં કુરિયર કંપનીના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની પૂરેપૂરી આશંકા છે. કુરિયર કંપની દ્વારા કુરિયર પેક કરતા પહેલા અંદર શું છે તે પૂછવામાં આવે છે અને જો શંકાસ્પદ લાગે તો તે પાર્સલ ખોલીને ચેક પણ કરવામાં આવે છે. ત્યારે આ રીતે અગાઉ પણ દારૂની હેરાફેરી થઈ છે કે કેમ તે મામલે ડભોડા પોલીસ તપાસ કરી રહી છે.