લગ્ન કર્યા વગર યુવક યુવતી એક સાથે જીવન ગુજારે, આજકાલ તેને લિવ ઇન રિલેશનશિપ કહેવામાં આવે છે. પણ શું આપ જાણો છો કે લિવ ઇન રિલેશન એ કોઈ આજનું ચલણ નથી. દેશમાં વર્ષોથી આ પ્રકારના અસંખ્ય કિસ્સાઓ બન્યા હશે પણ કદાચ આપની ધ્યાને નહીં આવ્યા હોય.
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા એક નાનકડા ગામડા એવા નવાગામમાં ગતરોજ એક અનોખા લગ્ન યોજાયા જેમાં 75 વર્ષના મંગાજીએ તેમના 73 વર્ષના લિન ઇન પાર્ટનર વેચાતીબેન સાથે કર્યા. અને આ દાદા-દાદીના લગ્નમાં પુત્રો, પુત્રીઓ સહિત પૌત્રો અને પૌત્રીઓ પણ મન ભરીને આનંદમાં મહાલ્યા અને નાચ્યાં પણ ખરા.
તમને જાણીને નવાઈ લાગશે, પણ સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આટલી ઉંમરે લગ્ન કરવા એ કોઈ નવાઈની વાત નથી. નગજીભાઈ મંગળાજી રોજડ અને તેમની પત્ની વેચાતી બહેન અત્યાર સુધી લીવ ઇન રિલેશનશિપમાં 6 દાયકાથી રહેતા હતા. પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ. ત્યારે અત્યાર સુધી લીવ ઇન રિલેશનમાં રહેલા આ દંપતીએ જીવનની આથમથી ઉંમરે લગ્ન કરી સમાજના રીતી રિવાજોને જીવંત રાખ્યા હતા.
જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગનમાં આખું ગામ ઉમટ્યુ હતું. ઢોલ નગારા સાથે મંગળ ગીતો ગવાયા હતા. અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના આ લગનને વધાવ્યા હતા.