દીકરીઓ સમાજમાં પોતાના પગ પર આત્મનિર્ભર બને તે માટે કેક સ્પર્ધાનું આયોજન
અમદાવાદ: આજના યુગમાં યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં આગળ વધતા જોવા મળી રહી છે. સમાજમાં વિવિધ જગ્યાએ પોતાના કાર્ય મેહનત થકી પગભર બનતા જોવા મળે છે. આવનાર સમયમાં દીકરીઓ કે બહેનો અનેક વ્યવસાય દ્વારા પોતાના પગપર આત્મનિર્ભર બની સમાજમાં આગળ વધે તે માટે અમદાવાદના નિકોલ ખાતે આવે પૂનમ બેકરી દ્વારા દીકરીઓ, બહેનો માટે નિર્ધારિત સમયમાં કેક બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 40 દીકરીઓ-બહેનોએ ભાગ લીધો હતો. તમામ સામગ્રી આપી દસ મિનિટમાં કેક બનાવી તેને સજાવી રજૂ કરવાનું લક્ષ્ય ભાગ લેનાર સ્પર્ધકોને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ પૂનમ બેકરીના માલિક પૂનમબેન રાજપૂત અને જીતેન્દ્રસિંહ રાજપૂત સહિત પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ, ભવનીસિંહ શેખાવત, સહ સંયોજક, ભાષા ભરતી સેલ, તંત્રી શિવકુમાર શર્મા, અગ્રણી દેશરાજસિંહ, ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો દ્વારા કેક સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તમામ સ્પર્ધકોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું.
આ સ્પર્ધા કરવાના ઉદ્દેશ્ય પાછળનું કારણ જણાવતા પૂનમ બેકરીના માલિક જીતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે હું ઘણા વર્ષોથી આવી રીતે સ્પર્ધા આયોજિત કરું છું, નારી તું નારાયણીના ઉદેશયને ધ્યાનમાં રાખી આજના યુગમાં મહિલાઓ પણ પુરુષો સાથે ખભાથી ખભો મેળવી આગળ વધે તે માટે અમે તેમને કેક બનાવતા શીખવીએ છીએ અને ત્યાર બાદ તેમને આવી સ્પર્ધાઓ યોજી પુરસ્કૃત કરતા આવીએ છીએ. અગાઉ પણ કરવામાં આવેલ આ સ્પર્ધા થકી 3 દીકરીઓ આજે પોતાના પગ પર આત્મનિર્ભર બની પોતાની બેકરી ધરાવતા સારી કમાણી સાથે વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહી છે અને સમાજમાં આગળ વધી રહી છે જેને જોતા આજે હું તેમનો માધ્યમ બન્યો છું તેનો મને આનંદ અને ગર્વ છે. આવા કાર્યક્રમ થકી મારો એટલો જ પ્રયાસ છે કે બહેનો દીકરીઓ આ વ્યવસાયમાં પણ પૂર્ણતા સાથે આગળ વધે પોતાના પરિવારમાં યોગદાન આપે અને પોતાનો વિકાસ કરે.
આ કેક સ્પર્ધાના અંતે પ્રથમ નંબરે રેખાબેન રાજેશભાઇ, બીજા નંબરે દ્રષ્ટિ ધોળકિયા અને ત્રીજા નંબરે ધારા પટેલ વિજેતા બની હતી જેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.