અધિક આવકવેરા કમિશનરને છટકામાંથી બચાવવાનો મામલો: CBIએ આસિ. ઇન્કમટેક્સ કમિશનરની ધરપકડ કરી

આસિ. ઇન્કમટેક્સ કમિશનરે અધિક કમિશનરના બે મોબાઈલ સાબરમતીમાં ફેંકી દીધા હતા
દિલ્હીની સીબીઆઇની ટીમે એક લાંચ કેસની તપાસમાં તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર ઑફ ઇન્કમટેક્સ, અમદાવાદ (ગુજરાત)ની ધરપકડ કરી છે. સીબીઆઈએ ગત તા. 12-10-2022ના રોજ ની ટીમે રૂ. 30 લાખના લાંચના કેસમાં ગુજરાત સરકારના અનુરોધ અને ભારત સરકારની સૂચના મુજબ અધિક કમિશનર આવકવેરા, અમદાવાદ સામે તાત્કાલિક કેસ દાખલ કર્યો હતો. જેમાં એવો આક્ષેપ કરાયો હતો કે, તત્કાલિન આસિસ્ટન્ટ ઇન્કમટેક્સ કમિશનર વિવેક જોહરીએ ગુજરાત રાજ્યની એસીબી દ્વારા ગત તા. 4-10-2022ના રોજ ગોઠવેલા લાંચના છટકામાં હંગામો મચાવીને એડિશનલ ઇન્કમટેક્સ કમિશનરને તેમની ઓફિસમાંથી ભાગી જવામાં મદદ કરી હતી.
એટલું જ નહીં, તેની સામે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તત્કાલિન એડિશનલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ (સેન્ટ્રલ રેન્જ-1) અમદાવાદે સ્ટેટ એસીબીની તપાસમાંથી નાસી જતાં પૂર્વે આસિ. ઇન્કમટેક્સ કમિશનર વિવેક જોહરીને બે મોબાઈલ હેન્ડ સેટ આપ્યા હતા. આ બંને મોબાઈલ હેન્ડસેટને આસિ. ઇન્કમટેક્સ કમિશનર જોહરીએ એડિશનલ ઇન્કમટેક્સ કમિશનરની સૂચના મુજબ સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા. આ બંને મોબાઈલ સાબરમતી નદીમાંથી મળી જતાં વિવેક જોહરીની ધરપકડ કરવામાં આવી હતી. વિવેક જોહરીની ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયો છે.