BAPS સંસ્થા તરફથી રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા બે કરોડ, ૧૧ લાખ, ૧૧ હજાર, ૧૧૧ અર્પણ કરાયા

0
BAPS સંસ્થા તરફથી રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા બે કરોડ, ૧૧ લાખ, ૧૧ હજાર, ૧૧૧ અર્પણ કરાયા
Views: 78
0 0
Spread the love

Read Time:8 Minute, 58 Second

શાહીબાગ મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોષાધ્યક્ષ શ્રીગોવિંદજી મહારાજ ની હાજરીમાં રામ મંદિર સમર્પણ નિધિ સમારોહ યોજાયો

વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું અને ત્યારે આશીર્વાદ આપેલા ત્યારથી સતત પ્રમુખસ્વામી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ આ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે : મુખ્યમંત્રી

અમદાવાદ, તા.૧૩
      BAPS સંસ્થા તરફથી રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા બે કરોડ, ૧૧ લાખ, ૧૧ હજાર, ૧૧૧ જેટલી મોટી રકમનો ચેક આજ રોજ અમદાવાદ શાહીબાગ મંદિરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોષાધ્યક્ષ શ્રી ગોવિંદજી મહારાજ ની હાજરીમાં રામ મંદિર સમર્પણ નિધિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણાધિન મંદિરની નિધિ સમર્પણ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન, આજે તા. 13 ફેબ્રુઆરીના રોજ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે થયું હતું. જેમાં શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી ગોવિંદદેવગીરીજી મહારાજે ખાસ પધારીને આશીર્વચન પાઠવ્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે ‘જે સ્થાનથી રામશિલાના પૂજન સાથે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિર-નિર્માણની શિલાના પૂજનનો આરંભ થયો હતો એ સ્થાનમાં આજે પુનઃ રામમંદિર માટે એકત્રિત થયા છીએ ત્યારે એટલું કહીશ કે રામમંદિરની યાત્રાનો પ્રારંભ ભગવાન સોમનાથના મંદિરથી થયો હતો. એટલે તેને રામમંદિરની યાત્રાની ગંગોત્રી કહીએ, અને આ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને તેનું ગૌમુખ કહેવું જોઈએ. અહીંથી આપણને બધાને પ્રેરણા આપતી ધારા વહી છે. આ દેશને જે પ્રકારના પુરુષાર્થની આવશ્યકતા છે, જે પ્રકારના ત્યાગની આવશ્યકતા છે, જે પ્રકારના પુરુષાર્થરત જીવન સાથે ભારતમાતાની સેવાની આવશ્યકતા છે એ તમામ બાબતો આ સંપ્રદાયે એક ઉચિત આદર્શ સાથે આપણી સમક્ષ મૂકી છે.


     તેમણે વધુમાં જણાવ્યું કે, લોકોને એમ લાગે કે સાધુઓ શું કરી શકે? પરંતુ આ સંતોએ જે કાર્ય કર્યું છે એ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમાં પણ મંદિરનિર્માણનો રેકોર્ડ અદભુત છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અંતઃકરણની તીવ્ર ભાવના હતી કે જન્મભૂમિ પર રામનું મંદિર ભવ્ય બનવું જોઈએ.

રામનું મંદિર તો સર્વત્ર હોઈ શકે છે, પરંતુ જન્મભૂમિનું મંદિર તો એક જ બનશે. લાંબા સંઘર્ષ પછી તેના નિર્માણનો આરંભ થઈ રહ્યો છે.
ભગવાન શ્રીરામ તો નૈતિકતાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. ભગવાન શ્રીરામ રાષ્ટ્રપુરુષ છે. વાલ્મીકી રામાયણમાં હજારો લોકોએ એક વાત કહી છે કે અમે એ રાષ્ટ્રને જાણતા નથી, જ્યાં ભગવાન શ્રીરામ નથી. અને જ્યાં રામ નથી તેનું અમારે કંઈ કામ નથી. જ્યાં રામ હશે ત્યાં નવી અયોધ્યા ખડી કરીશું.

ભગવાન શ્રીરામચંદ્રજી આત્મનિર્ભર હતા. તમામ સદગુણોના મૂર્તિમંત સ્વરૂપ હતા. એમનું આ મંદિર સ્થપાય છે ત્યારે તેમના દિવ્ય ગુણોનો ભાવ સમગ્ર દેશમાં જાગશે. આ દેશ માત્ર સોનાની ચીડીયા નહીં, પરંતુ સોનાનો સિંહ બનીને વિશ્વ સમક્ષ પરાક્રમોનું દર્શન કરાવશે.

જેનો આરંભ સંતોના હસ્તે થયો હોય એ કાર્ય શ્રેષ્ઠ જ થાય. આથી મંદિરની સાથે સાથે તમામ એશિયાઈ દેશોમાં પણ રામનો સંબંધ જાગ્રત કરીશું. ત્યાં લોકો સાથે સંપર્ક કરીને એમને વિશ્વાસ અપાવીશું કે રામ તમારા પણ છે. એ લોકો અયોધ્યાની યાત્રાએ આવશે અને તેમને પણ ગૌરવ જાગશે. આ મંદિરના નિર્માણ સાથે અયોધ્યા ‘ધ કલ્ચરલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ’ એટલે કે વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનશે, વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના જાગશે, ભારત એક સમર્થ રાષ્ટ્ર પણ બનશે, ભારતનું આ સામર્થ્ય ભારત કા યહ સામર્થ્ય વિશ્વ પર આક્રમણ કરવા માટે નહીં, પરંતુ વિશ્વનું મંગલ કરવાના કામમાં આવશે.’

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું, ‘વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું અને ત્યારે આશીર્વાદ આપેલા ત્યારથી સતત પ્રમુખસ્વામી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ આ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે દુનિયાભરમાં અનેક મંદિરો, શ્રેષ્ઠ મંદિરો બનાવ્યા છે, તે અનુભવ-દૃષ્ટિનો લાભ આ મંદિરમાં પણ મળશે. ગુજરાતે પહેલેથી ભગવાન રામના મંદિરને બનાવવા માટે અનેક સંઘર્ષ કરેલા છે. યાત્રા પણ સોમનાથથી જ નીકળી હતી. રામમંદિર, રામશિલાપૂજન, રામરથ આ બધા કાર્યક્રમની શરૂઆત સોમનાથથી જ થઈ હતી. ગુજરાતની ધરતી ઉપરથી જ થઈ હતી. અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે રામશિલાપૂજન એ પણ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હાથેથી શરૂઆત થઈ હતી. આપણે સૌ ઇચ્છીએ જલદી મંદિર બને. આપણે સાક્ષી બન્યા છીએ એ  આપણા બધા માટે આનંદની વાત છે. ઇતિહાસ અનેક વર્ષો સુધી લોકો સમક્ષ રહેવાનો છે ત્યારે આપણને ગૌરવ થશે કે એ વખતે અમે સૌ સાક્ષી હતા.’

સોશિયલ ડિસ્ટન્સ અને આનુષંગિક વ્યવસ્થાઓ સાથે 150 નિમંત્રિતો-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં ભગવાન શ્રીરામચંદ્રજીની સ્તુતિપૂર્વક વંદના કરવામાં આવી હતી. સમારોહના મંચ પર શ્રીરામમંદિર નિધિ સમર્પણ સમિતિ, ગુજરાતના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત હતા.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની રામમંદિર સાથેની જૂની અનેક સ્મૃતિઓને વીડિયોના માધ્યમથી સૌએ માણી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી રામમંદિરનું ભૂમિપૂજન સમારોહ માટે બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે શ્રી રામયંત્રનું પૂજન કરી આ મંદિરનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરી, ભવ્ય મંદિર બને, રામરાજ્યની સ્થાપના થાય અને વિશ્વમાં શાંતિ થાય તે માટે ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી. આજે પણ તેઓએ પોતાના આશીર્વચનો પાઠવ્યા હતા કે વહેલામાં વહેલી તકે નિર્વિઘ્ને શ્રીરામમંદિર પૂર્ણ થઈ જાય તે માટે આપણે સૌ સંપ, સુહૃદભાવ અને એકતાથી ભક્તિપૂર્વક પ્રયાસ કરીએ, પ્રાર્થના કરીએ.

Views 🔥 BAPS સંસ્થા તરફથી રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા બે કરોડ, ૧૧ લાખ, ૧૧ હજાર, ૧૧૧ અર્પણ કરાયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *