1200 બેડ હોસ્પિટલમા સત્યનારાયણની કથા કરી નોન કોવિડ કામગીરી શરુ કરાઇ
હોસ્પિટલમા મહિલાઓ અને બાળકોની સારવાર માટેની કામગીરી શરુ કરાઇ
કોરોના બાદ હવે નોન કોવિડ દર્દીઓને મળશે 1200 બેડમા સારવાર
સત્યનારાયણ કથા કરીને ઓપીડી તેમજ ઇન્ડોર દર્દીઓની સારવાર શરુ કરાઇ
હોસ્પિટલને સંપૂર્ણ પણે જંતુરહીત અને સેનિટાઇઝ કરાવી દર્દીઓની સેવામાં પુન: કાર્યરત કરવામાં આવી
કોરોનાકાળમાં 70 હજારથી વધુ દર્દીઓએ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર મેળવી
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી મહિલા અને બાળ રોગ મલ્ટી સ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે.
1200 બેડ હોસ્પિટલને મહિલાઓ અને બાળકોની સારવાર માટે પુન:ઉપયોગમાં લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને સમગ્ર સિવિલ તંત્ર દ્વારા વિધિવત રીતે આરંભ કરાવવામાં આવ્યો છે.
હવેથી અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે આવતી મહિલાઓ અને બાળકો નિર્ભિકપણે ફરીથી 1200 બેડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે. 1200 બેડ હોસ્પિટલને સંપૂર્ણપણે જંતુરહીત , ઇન્ફેક્શનમુક્ત કરવા સેનેટાઇઝ કરી સાફ-સફાઇ કરાવીને સામાન્ય દર્દીઓની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી હતી.19 મી માર્ચ 2020 ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો જે દર્દીને સિવિલ હોસ્પિટલના ડી-9 આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. દર્દીની સંખ્યામાં વધારો થતા 7 મી એપ્રિલ 2020 ના રોજ 1200 બેડ હોસ્પિટલ કોરોના ડેઝીગન્ટેડ હોસ્પિટલ રૂપાંતરીત કરીને દર્દીઓની સેવા-શુશ્રુષામાં કાર્યરત કરાવવામાં આવી હતી.
કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં 70 હજાર થી વધુ દર્દીઓએ સારવાર મેળવી હોવાનું સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે.વી.મોદીએ જણાવી વધુમાં ઉમેર્યુ કે કોરોનાગ્રસ્ત દર્દીઓ 1200 બેડ હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતી જોતા 1200 બેડ હોસ્પિટલને પુન: કાર્યરત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ 1200 બેડ હોસ્પિટલમાં 200 જેટલા બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદા રાખીને અન્ય ભાગને મહિલાઓ અને બાળરોગની સારવાર માટે પુન:ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવ્યુ છે.
આજે 1200 બેડ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોષી, તમામ વિભાગના વડા, નર્સિંગ સ્ટાફ અને સફાઇકર્મીઓએ ઉત્સાહપૂર્વક વિધિવત રીતે હોસ્પિટલના શુભારંભ પ્રસંગે જોડાઇ એકજુથ થઇ દર્દીનારાયણની સેવા-શુશ્રુષા અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
Views 🔥