ચાંદખેડા ક્રિકેટ સટ્ટા કેસના તાર સટ્ટાકિંગ રાકેશ રાજદેવ-ટોમી સુધી પહોંચ્યા હોવાની ચર્ચા

ક્રાઇમ બ્રાન્ચે 12 બુકીને ઝડપ્યા હતા જ્યાં રાજસ્થાનના બુકી માલીબંધુ સટ્ટો રમાડતા હોવાનો થયો હતો ઘટસ્ફોટ
દુનિયભરમાં કોઈ પણ સ્થળે મેચ રમાતી હોય પરંતુ તેના ઉપર સટ્ટો તો ગુજરાતમાં જ રમાય, તેમાંય વળી આઇપીએલ શરૂ થાય એટલે બુકીઓ અને સટોડિયાઓને તો જાણે કે ઉત્સવ શરૂ થયો હોય તેમ લાગતું હોય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ચાંદખેડાના રોયલ ઓર્ચીડ બંગલામા દરોડો પાડીને 12 બુકીઓને ઝડપી લીધા હતા. જો કે, તેઓ રાજસ્થાનના કુખ્યાત બુકીઓ રવિ માલી, જીતુ માલી અને દિપક સોલંકી માટે સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું હતું. સટ્ટાના તાર દુબઇમાં બેઠેલા સટ્ટાકિંગ રાકેશ રાજદેવ અને ટોમી ઉંઝા સુધી પહોંચ્યા હોવાની વાતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે દરોડા દરમિયાના જુદા જુદા દેશની કરન્સી, બેંક એકાઉન્ટની વિગતો, તેમજ લેપટોપ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. બીજીબાજુ બોપલ નજીકથી પણ ઝડપાયેલા બુકીઓની તપાસમાં વિપલ બોપલ નામના બુકીનું નામ ખુલ્યું છે. જેની ભાળ મેળવવા માટે પોલીસની કવાયત ચાલી રહી છે.
લક્ઝુરિયસ ફ્લેટ અને બંગલા ભાડે રાખી સટ્ટો રમાડાય છે
લક્ઝુરિયસ ફ્લેટ અને બંગલા ભાડે રાખીને ત્યાં સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.મોટા બુકીઓ સલામતિ માટે દુબઇ પહોંચી તેના મળતીયાઓ મારફતે આઇપીએલની દરેક મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે સટ્ટો રમાડતા રાજસ્થાન-ઉત્તર પ્રદેશના બુકીઓને ઝડપી લીધા હતા
થોડા દિવસો અગાઉ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડીને સટ્ટો રમાડતા રાજસ્થાન-ઉત્તર પ્રદેશના બુકીઓને ઝડપી લીધા હતા. બન્ને રેડમાં કોમન વાત એ છે કે તમામ બુકીઓ જીતુ માલી અને રવિ માલીના હોવાની વિગતો સામે આવી હતી.હવે આ બન્ને માલી બંધુઓને ઝડપી લેવામાં આવે ત્યારે તમામ વિગતો સ્પષ્ટ થાય તેવી સંભાવના છે.