તું મારી અને મારી પ્રેમિકા વિશે કેમ ખરાબ વાત કરે છે કહી યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સુરાભગતની ચાલીમાં રહેતા 20 વર્ષીય સન્ની રાજપુતે અમરાઈવાડી પોલીસ મથકે સૂરજ પાલ સામે મારમારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રાત્રીના સમયે તેઓ મિત્ર સાથે ચાલીમાં આવેલ અંબાજીના મંદિર પાસે બેસી વાતો કરી રહ્યા હતા. દરમિયાન એક-બે વર્ષ અગાઉ પડોશમાં રહેતા સૂરજે ત્યાં આવી મારા અને મારી પ્રેમિકા વિશે કેમ ખરાબ વાતો કરે છે તેમ સન્નીને જણાવ્યું હતું. જેથી મેં તારા વિશે કોઈ ખરાબ વાતો કરી નથી અને આ બાબતે કઈ જાણતો નથી તેમ સન્નીએ કહેતા સૂરજ ઉશ્કેરાઈ ગયો હતો અને ગંદીગાળો બોલવા લાગ્યો હતો.જોકે સન્નીએ ગાળો બોલવાની ના પાડતા સૂરજ મારમારવા લાગ્યો હતો. જેથી મિત્ર વચ્ચે છોડાવવા પડતા સૂરજે પેન્ટમાંથી ચપ્પુ કાઢી સન્નીને મારી દીધુ હતું. ત્યારબાદ ફરી ચપ્પુ મારવાની કોશિશ કરતા પકડવા જતા સન્નીને હાથની અંગુઠાના ભાગે ઇજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું. બીજીબાજુ બુમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઇ જતા જો તું મારા વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરીસ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સુરજ ત્યાંથી નાસી છૂટ્યો હતો.