અભ્યાસ ૧૦ ચોપડી પરંતુ જમીનના ડોકટર! ગાજેન્દ્રસિંહ વાઘેલાની વાત જાણો

0
અભ્યાસ ૧૦ ચોપડી પરંતુ જમીનના ડોકટર! ગાજેન્દ્રસિંહ વાઘેલાની વાત જાણો
Views: 960
13 0
Spread the love
Read Time:9 Minute, 32 Second


પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે હવે ‘બેક ટુ નેચર’

પ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર : સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂતે ૩૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ. ૩૪-૩૫ લાખની કરી મબલખ કમાણી

પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ :  ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા

 પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયેળ, કેળ, સરગવો, ખારેક તેમજ ધઉં અને ડાંગરની ખેતી કરી વાર્ષિક રૂ. ૧૪-૧૫ લાખ આવક

 ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦ લાખની આવક મેળવે છે

‘કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આ કહેવત અને ‘જે ઘરમાં ગાય પૂજાતી હોય ત્યાં ગોવિંદ મળવા જાય’ આ પંક્તિને પણ પોતાના જીવનમાં અક્ષરસહ ઉતારનાર સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦ લાખની તેમજ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયળ, કેળ, સરગવો, ખારેક તેમજ ઘઉં અને ડાંગરની ખેતી કરીને વાર્ષિક રૂ. ૧૪-૧૫ લાખની આવક મેળવી રહ્યા છે. માત્ર ધોરણ ૧૦ પાસ એવા ગજેન્દ્રસિંહ વાઘેલા અનુભવજન્ય જ્ઞાન થકી જમીનના ડોક્ટર બની ચૂક્યા છે. આ ઉપરાંત પશુપાલનમાં પણ માહેર  છે. આમ, સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા પ્રાકૃતિક ખેતી તેમજ ગીર ગાયના દૂધ અને તેની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૩૪ થી ૩૫ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે.

ગુજરાતના ખેડૂતો ખેતી સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલા હોય છે. ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે.  ગજેન્દ્રસિંહ વાઘેલા છેલ્લાં સાત-આઠ વર્ષથી ત્રીસ વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. આ અગાઉ તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતાં પરંતુ તેમાં ખર્ચ વધુ અને આવક ઓછી મળવા સાથે જમીનનો બગાડ પણ થતો હતો. જેથી તેઓએ સુભાષ પાલેકરજી, શ્રી આચાર્ય દેવવ્રતજી, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય રાખવાનો નિર્ણય અમલમાં મૂકયો અને હાલમાં તેમની પાસે ૩૫ પુખ્ત ગાયો અને ૪૫ જેટલી વાછરડીઓ  છે.

આ અંગે ગજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, હું છેલ્લાં ૧૬-૧૭ વર્ષોથી ખેતી કરી રહ્યો છું. અગાઉ પાકના ઉત્પાદન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેમ કે ખાતર, બિયારણ અને આમ છતાં પણ ઉત્પાદન સારું નહોતું થતું. પરંતુ આ પ્રાકૃતિક ખેતીથી ખર્ચાળ વસ્તુઓ ઓછી થઈ અને પાક સારો મળી રહ્યો છે અને આવકમાં વધારો થયો છે. સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં ભાગ લીધા બાદ મેં વર્ષ ૨૦૧૫-૨૦૧૬થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પ્રથમ વર્ષે ઘન જીવામૃત અને જીવામૃતનો ઉપયોગ ન કરવાને લીધે ઉત્પાદન ઘટ્યું હતું. ત્યારબાદ મેં તમામ પ્રકારના જીવામૃતનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું અને તેનો ફાયદો મને ધીમે-ધીમે મળતો થયો.

ગજેન્દ્રસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત મેં ૧ વીઘાથી કરી હતી ત્યારબાદ ૨-૫-૧૦ વીઘા અને છેલ્લાં ૨-૩ વર્ષથી સતત ૩૦ વીઘામાં ખેતી કરી રહ્યો છું. પ્રાકૃતિક ખેતી થકી મને છેલ્લા બે- ત્રણ વર્ષમાં સારું ઉત્પાદન મળ્યું છે અને ઉત્પાદન સારું થવાથી આવકમાં પણ વધારો થયો છે, મારી આવક પણ બમણી થઇ છે. એટલું જ નહીં, પ્રાકૃતિક કૃષિમાં કિટનાશક રોગ અંગે પાલેકરજીએ સમજાવ્યું હતું એ મુજબ બ્રહ્માસ્ત્ર, નિમાશસ્ત્ર, અગ્રાનાસ્ત્ર અને દસપર્ણિય પણ બનાવીને ઉપયોગ કરવાથી મારા ખેતરમાં કોઇપણ પ્રકારનો રોગ પણ આવ્યો નથી.

ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦  લાખની આવક

ગજેન્દ્રસિંહ વાધેલાએ કહ્યું કે, અમારી ગીર ગૌશાળામાં અત્યારે ૩૫ પુખ્ત ગાયો અને ૪૫ જેટલી વાછરડીઓ છે. હું અત્યારે ગૌસંવર્ધન કરું છું અને અમને પરિણામ સારું મળી રહ્યું છે. બુલની જે વાછરડીઓ થઇ છે એ અત્યારે ૮-૯ લિટરનું દૂધ આપતી થઇ છે. હું અત્યારે ૮૦ રૂપિયા લીટર દૂધ, ૨૦ રૂપિયા લીટર છાશ, ૨૫૦૦ રૂપિયા કિલો ધી અને ૧૨૦૦ રૂપિયા કિલો માખણ અમે વેચીએ છીએ. આમ મને વાર્ષિક અંદાજિત ૧૯થી ૨૦ લાખ રૂપિયાની આવક થાય છે. ગીરની એક ગાયમાંથી અંદાજિત ૭થી ૮ લિટરનું દૂધ મળી રહે છે. અમે બેસ્ટમાં બેસ્ટ એ-2 મિલ્કનું વેચાણ કરીએ છીએ. એટલું જ નહીં, મને ગીર ગાયના નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકાર તરફથી માસિક ૯૦૦ રૂપિયાની સહાય પણ મળે છે.

દર સિઝનમાં માત્ર આંબામાંથી દોઢથી બે લાખની આવક

ગજેન્દ્રસિંહે કહ્યું કે, અમારા વિસ્તારમાં ડાંગર અને જઉં સિવાય બીજો કોઇ પાક થતો નહોતો એ સમયે મેં આંબા ૧૦ વર્ષ અગાઉ વાવવાની શરૂઆત કરી હતી. મેં ગાંધીનગર ખાતે આયોજિત સુભાષ પાલેકરની શિબિરમાં ભાગ લીધો હતો, ત્યાંથી પ્રાકૃતિક રીતે આંબા કેવી રીતે વાવવા તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. આંબામાં જીવામૃત આપવાની શરૂઆત કરી જેનાથી મને રિઝલ્ટ સારું મળતું થયું. પાલેકરશ્રીએ છંટકાવ કરવાની પદ્ધિતિ આપી હતી એ પ્રમાણે મેં છંટકાવ કર્યો ત્યારે શરૂઆતમાં આંબાનું ઉત્પાદન ૫૦થી ૬૦ કિલો હતું એ વધીને ૧૦૦થી ૧૫૦ કિલો થવા લાગ્યું. અત્યારે લગભગ ૧૦-૧૧ વર્ષના આંબા થયા છે, એક આંબા પરથી અંદાજિત ૧૦૦થી ૧૫૦ કિલો જેવી કેરીઓ નીકળે છે. આ આંબામાંથી મને સિઝનમાં અંદાજિત દોઢથી બે લાખ રૂપિયાની આવક થાય છે.

હું અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી પર વાળી રહ્યો છું – ગજેન્દ્રસિંહ વાધેલા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે ‘બૅક ટુ નેચર’ નો મંત્ર આપ્યો છે. એ મંત્ર પર અમે અન્ય ખેડૂતોને પણ પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકતિક ખેતી તરફ વાળી રહ્યા છીએ.  અમે અન્ય ખેડૂતોને સમજાવી રહ્યા છીએ કે અત્યારે કોઈપણ વ્યક્તિમાં કોઈ પણ વયે ગંભીર રોગો જોવા મળી રહ્યા છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના વધુ ઉપયોગથી સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અત્યંત જરૂરી છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

આમ, પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા ધાન, અનાજ, કઠોળમાં વધુ પોષક તત્ત્વો હોય છે. પ્રાકૃતિક ખેતી તે ઉત્તમ પ્રકારનું અનાજ આપે છે, જેની સરખામણીમાં યુરિયાવાળી ખેતીથી જમીન બિનઉપજાઉ બને છે, પર્યાવરણને નુકસાન વધુ થાય છે. ગજેન્દ્રસિંહ વાઘેલા ખેતીમાં જ્યારથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે ત્યારથી તેમની આવકમાં વધારો થયો છેગજેન્દ્રસિંહ પ્રાકૃતિક ખેતીમાં ગાયને અનિવાર્ય ગણે છે અને લોકોને ગાય આધારિત ખેતી તરફ વાળવાનો સંદેશો પણ આપે છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
89 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
11 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »