સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મીએ મહિલાને ધમકી આપી, મારી સામેની ફરિયાદ પાછી નહીં ખેંચે તો મારી નાંખીશ

નિકોલમાં રહેતી મહિલાએ જયરાજ વાળા નામના સસ્પેન્ડ થયેલા પોલીસકર્મી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
પોલીસકર્મીનાં ત્રાસથી મહિલા અને તેનો પરિવાર અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા
અમદાવાદઃ શહેરમાં ફરીવાર સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નિકોલમાં રહેતી મહિલાએ અગાઉ પણ આ પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ કર્મી મહિલા પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. જેના ત્રાસથી મહિલા અને તેનો પરિવાર અન્ય જગ્યાએ રહેવા ગયો હતો. ગઈકાલે ફરીવાર પોલીસ કર્મીએ મહિલાને ફોન પર અને બાદમાં ઘરે જઈને ધાક ધમકીઓ આપી હતી. તેમજ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. અગાઉ આ પોલીસ કર્મીને ફરિયાદ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેણે મહિલાને એવી પણ ધમકી આપી હતી કે, તારી ફરિયાદના કારણે સસ્પેન્ડ થયો છું હવે પરત નહીં ખેંચે તો જાનથી મારી નાંખીશ. જેથી મહિલાએ તેની સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે.
ફર્નિચર જોવાના બહાને ફોન નંબર મેળવી લીધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે નિકોલમાં ફરિયાદી મહિલા તેના પરિવાર સાથે રહે છે. તેને 17 વર્ષની ઉંમરની એક દીકરી છે. તેના પતિ ઇલેક્ટ્રીક ટ્રેડીંગની દુકાન ધરાવી વેપાર ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, આજથી બે વર્ષ અગાઉ અમે નિકોલમાં રહેતા હતા તે વખતે અમારા મકાનની નિચે રહેતા ક્રુષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજભાઇ વાળા સાથે મુલાકાત થયેલ અને તેઓ મારા ઘરે આવેલ અને અમારા ઘરનુ ફર્નિચર જોઇને તેમને મને કહેલ કે મારે તમારા ઘરમાં છે તેવુ ફર્નિચર મારા ઘરમાં બનાવવુ છે. તમે મને ફર્નિચરવાળાનો નંબર આપો તેમ કહેતા મે તેમને નંબર આપેલ ત્યાર બાદ તેમને મારો નંબર માંગતા મે તેમને મારો નંબર આપ્યો હતો.ત્યારબાદ અમારી બંનેની ફોન પર વાતચીત થતી હતી.
પહેલી ફરિયાદ બાદ હેરાન કરવાનું બંધ કર્યું હતું
ત્યારબાદ જયરાજ મને કહેવા લાગેલ કે હુ તને પ્રેમ કરૂ છુ અને મારે તારી સાથે સંબધ બાંધવા છે. ત્યારે મે તેમને કહેલ કે હું પરણીત છુ. હું આવા સંબંધ રાખી ન શકુ તેમ છતાં તેઓ અવાર-નવાર મને ફોન કરી હેરાન પરેશાન કરવા લાગેલ જેથી મે મારૂ ઘર વેચી નાખેલ અને નિકોલમાં રહેવા આવી ગયેલ જે સરનામાની જાણ આ જયરાજને થતા તે મારા નવા ઘરે આવી મને હેરાન કરવા લાગેલ અને મારી પાસે ખોટી ખોટી માંગણીઓ કરી હેરાન પરેશાન કરતો હતો. જેથી જયરાજ વાળા વિરૂધ્ધમાં નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપેલ અને ફરીયાદ આપ્યા બાદ તેણે મને હેરાન કરવાનુ બંધ કરી દીધી હતું.
મહિલાને ફોન કરીને ગંદી ગાળો બોલીને ધમકીઓ આપી
ગત ત્રીજી તારીખે બપોરના સુમારે આ જયરાજનો મને ફોન આવેલ અને ગમેતેમ ગંદી ગાળો બોલી હતી. તેણે એવી ધમકી આપી હતી કે, તે મારા વિરૂધ્ધમાં જે ફરીયાદ કરી છે જેના લીધે મને સસ્પેન્ડ કરાયો છે. આ ફરીયાદ પાછી લઇ લે તુ મને ઓળખતી નથી હુ કાઠી દરબાર છુ. જો તુ તારી ફરીયાદ પાછી નહી લે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. થોડીવાર બાદ આ જયરાજભાઇ મારા ઘરે આવ્યો હતો અને મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગમેતેમ ગંદી બિભસ્ત ગાળો બોલી મને કહેવા લાગેલ કે જો તુ મારા વિરૂધ્ધમાં કરેલ કેસ પાછો નહી લે તો તને જાનથી મારી નાખીશ.ત્યાર બાદ આ જયરાજે ફરીથી મારા મોબાઇલમાં ફોન કરી મને ગમેતેમ ગાળો બોલી તેના વિરૂધ્ધમાં કરેલ કેસ પાછો ખેંચવાનું દબાણ કર્યું હતું. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.