સરકારી નોકરીઓમાં સરકાર ખાલી જગ્યાઓ રાખે છે! ઇન્કમટેક્ષ વિભાગમાં ૨૭,૫૬૪ જગ્યાઓ ખાલી પડેલ છે

દેશમાં બેરોજગારી ખૂબ વધી છે તેમાં વિશેષ સરકારી નોકરીઓમાં સરકાર જાણી જોઈને જગ્યાઓ ભરતી નથી ના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નના જવાબ મા સરકારના નાણાંમંત્રીએ જવાબ આપ્યો કે ઇન્કમટેક્ષ વિભાગમાં સમગ્ર દેશમાં ૨૭,૫૬૪ જગ્યાઓ ખાલી છે. જેમાં સમૂહ ‘ક’ માં ૧૧૬૪, સમૂહ ‘ખ’ (રાજપત્રિત) માં ૪૬૪ અને સમૂહ ‘ખ’ (અરાજપત્રિત) તથા સમૂહ ‘ગ’ માં ૨૫,૯૩૬ જગ્યાઓ ખાલી છે. જ્યારે ગુજરાતમાં સમૂહ ‘ક’ માં ૧૦૪, સમૂહ ‘ખ’ (રાજપત્રિત) માં ૧૦ અને સમૂહ ‘ખ’ (અરાજપત્રિત) તથા સમૂહ ‘ગ’ માં ૧૮૭૪ એટલે કે કુલ જગ્યાઓ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જે ખાલી છે તે ખુબ મોટા પાયે છે.
સરકાર તરફથી મળેલ જવાબ બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, દેશમાં દર વર્ષે બે કરોડ નવી નોકરીઓ આપવાની વાત ભારતીય જનતા પાર્ટીએ કરી હતી પરંતુ સત્ય એ છે કે દેશમાં બેરોજગારી સતત વધી રહી છે અને તેનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી નોકરીઓમાં ખુબ મોટા પાયે ખાલી જગ્યાઓ રાખે છે. માત્ર એક નાણાં વિભાગના ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં જ ૨૭,૫૬૪ જગ્યાઓ ચાલુ વર્ષમાં જુન મહિનાની પહેલી તારીખે એટલે કે ૦૧ જુન, ૨૦૨૩ની સ્થિતિએ ખાલી છે. તે જ બતાવે છે કે યુવાનોને રોજગારી આપવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલી નિષ્ફળ રહી છે તે આ આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે.