અમદાવાદ પોલીસ માટે મોટા સમાચાર! પોલીસ ઇન્સપેક્ટર: પબ્લિસિટી, પીઆર, માર્કેટિંગ સાથે પોલીસિંગ

લોબિંગ, સંબંધો અને માર્કેટિંગનો દૌર
બદલીઓ માટેનો તખ્તો તૈયાર
અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની નિમણૂક થતાની સાથે જ પોલીસ બેડામાં ચકચાર સાથે ફફડાટ પણ વ્યાપી ગયો હતો. સ્વભાવે કડક અનુશાસન પ્રિય પોલીસ કમિશ્નરના નામ સાથે શહેરના મોટાભાગના દુષણોને પ્રોત્સાહન આપતા લોકોમાં ફફડાટ હતો.
બીજી તરફ અમદાવાદ શહેરનો ચાર્જ લેતાની સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થામાં કોઈ ઢીલાશ છોડવામાં નહીં આવે તેવા આદેશ સાથે શહેર પોલીસની એજન્સીઓ ચુસ્ત થઈ ગઈ હતી. અને અસંખ્ય સ્થળો પર દારૂ જુગારની બદીઓ દૂર કરવા અને ગુનેગારો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી.
ત્યારે હવે શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કમરકસવામાં આવી છે. ત્યારે નવા પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પણ શહેરના તમામ અને ખાસ કરીને સૌથી વધુ ચર્ચામાં રહેતાં પોલીસ સ્ટેશનમાં યોગ્ય પોલીસ ઇન્સ્પેકટર મૂકવા માટે તમામના પોલીસ ઇન્સ્પેક્ટર ના ACR એન્યુઅલ કોન્ફિડેન્સીયલ રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. જેને આધારે હવે ગણતરીના દિવસોમાં તેમની બદલીઓ થવાની શક્યતાઓ છે. એમ પોલીસ વર્તુળો જણાવે છે.
વિશેષમાં વાત કરીએ તો, હવે ગમે ત્યારે ગમે તે પોલીસ ઇન્સ્પેકટર ની બદલી થવાની સંભાવના ઓ જોતા કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરો પણ અવનવા ગતકડાં કરી પોતાનો રેકોર્ડ સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સુત્રોનું માનીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર તો રિતસરનું લોબિંગ કરી રહ્યાં છે. એકતરફ જ્યાં પોલીસ કમિશ્નર કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા કવાયત કરી રહ્યાં છે. તો બીજીબાજુ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ના કેટલાક ચોક્કસ પોલીસ સ્ટેશનમાં બદલી મેળવવા કેટલાક પોલીસ ઇન્સ્પેકટરોએ કમિશનર ની નજરમાં રહેવા પોતાનું માર્કેટિંગ શરૂ કરી દીધું છે. તો કેટલાકે પોલીસ કમિશનર અને તેમની આસપાસ ના વર્તુળો માં ચહલપહલ વધારી દીધી છે. એક પોલીસ ઇન્સ્પેકટર એ તો હાલ ખાલી પડેલાં એક પોલીસ સ્ટેશનમાં બદલી મેળવવા ભુવા-ભાથી અને બાધાઓ ઉપર પણ ઝોર આપી રહયા છે. તો બીજા એક ઇન્સ્પેકટર એ તો મનગમતી બદલી મળશે તો પોતાના અંગત માણસોને ખુશ કરી દેવાનું વાયદા બજાર પણ ઉભું કરી દીધું છે. ત્યારે હવે શહેરના મોટાભાગના પોલીસ ઇન્સ્પેકટર ઉપર મલિક સાહેબની તલવાર લટકી રહી છે ત્યારે કોનું કોણ અને શું થશે તે ચર્ચાએ પણ ઝોર પકડ્યું છે.