નામાંકિત કેફેની આડમાં હુક્કાબાર, રસિયાઓ માટે કરાતું હતુ ખાસ આયોજન
અમદાવાદમાં ફરી એકવખત હુક્કાબારનું ચલણ શરૂ થયું છે. લાંબા સમયથી બંધ હુક્કબાર અમદાવાદના સરખેજ વિસ્તારમા ગેરકાયદેસર ચાલતું હોવાની માહિતી પીસીબીની ટીમને મળતા બિગ ડેડી નામના કેફે પર દરોડો કરી 37 હુકકાઓ અને અલગ અલગ ફ્લેવરો કબજે કરી છે.
છેલ્લા ઘણા સમયથી હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ હતા. પરંતુ હવે કેફેની આડમાં હુક્કાબાર ચાલતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પીસીબીની ટીમે સરખેજ વિસ્તારમાં મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ચાલતું હુકકાબાર પકડ્યું હતું. પ્રતિબંધિત હુક્કાબારમાં કેફે માલિકો હર્બલ હુક્કાના નામે હુક્કાબાર ચલાવતા. છેલ્લા ઘણા સમયથી સરખેજ વિસ્તારના પ્રખ્યાત બીગ ડેડી કેફે બહારથી કોઈને શંકા ન જાય તે પ્રકારે બિગ ડેડી કેફે ચલાવવામાં આવતું હતું. પરંતુ હુકકા બારના રસિકો માટે ખાસ આયોજન કેફેની અંદરના ભાગે કરવામાં આવ્યું હતું.
હર્બલ હુક્કાના નામે નિકોટીન યુક્ત હુક્કાઓ અહીંયા ખાસ સવલતો સાથે પીરસવામાં આવતા. પરંતુ પીસીબીની ટીમ ચોક્કસ માહિતી મળતા જ મોડી રાત્રે આ કેફેમાં ત્રાટકી હતી. જ્યાં તપાસ કરતા પ્રાથમિક તબક્કે સંખ્યાબંધ ગ્રાહકો હુકકા પિતા નજરે પડ્યા હતા. આ તમામ હુક્કાઓ અને ફ્લેવર પોલીસે કબજે કરી એફએસએલમાં તપાસ અર્થી મોકલી આપી હતી.
હાલ પોલીસે કેફે પરથી સીલબંધ હાલતના 146 હર્બલ ફ્લેવરના પેકેટ, નાના મોટા હુક્કા નંગ-37, ચિલમો, સિલ્વર ફોઈલ પેપર સહિત કુલ 62 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે, કેફની આડમાં છેલ્લા બે માસથી હુક્કાબાર ચલાવવામાં આવતું હતું. આરોપી અને કેફે માલિક ભાવિન પટેલ રૂપિયા બે લાખના ભાડેથી સરખેજ રોડ પર બિગ ડેડી નામથી કેફે ચલાવતો હતો અને એક હુક્કાના ગ્રાહકો પાસેથી 800 રૂપિયા વસૂલતો હતો. જોકે હવે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે કે હુક્કાબાર માં ફ્લેવરવાળા હુક્કા પીરસાતા કે પછી નિકોટીન યુક્ત હોકો પીરસવામાં આવતો.
આ રેડથી અમદાવાદમાં ફરી એક વખત હુક્કાબાર શરૂ થયા હોવાની આશંકાને પગલે આગામી સમયમાં અગાઉ પણ અમદાવાદમાં જ્યાં જ્યાં હુક્કાબાર ચાલતા હતા ત્યાં પોલીસ તપાસ કરશે.