
પોપ્યુલર બિલ્ડર ની ઓફિસમાં બેસીને કાયદાનો ખોટો ભય બતાવનાર વરદીધારી પીએસઆઇ ને મહિલાએ પદાર્થ પાઠ શીખવ્યો પણ ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરી ખાખી વર્દીની ગરિમા જાળવી બતાવશે?
અમદાવાદ:
ખેડૂતો અને અનેક ગરીબોની જમીનો પ્રપંચપૂર્વક પચાવી લેનાર પોપ્યુલર બિલ્ડર પરિવારના રમણ પટેલ સહિતના લોકો કાયદાના સકંજામાં આવી ચૂક્યા છે. ચર્ચા એ વાતની છે કે પોપ્યુલર પરિવારના મોભીઓએ લાલચની લ્હાયમાં સમાજ તો ઠીક પરિવારના સભ્યોને પણ છોડ્યા નથી. અગાઉ પોપ્યુલર પરિવારની એક પુત્રવધુ એ પોલીસ અને કાયદાનો સહારો લઈ મહિલા શક્તિની તાકાત બતાવી હતી. હવે આવો જ બીજો એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે. પોપ્યુલર પરિવારની વધુ એક પુત્રવધુએ ન્યાય માટે લડત શરૂ કરી છે. હદ તો એ વાતની છે કે, એક પશ્ચિમ વિસ્તારમાં હમણાં જ કાર્યરત થયેલા પોશ મનાતા પોલીસ સ્ટેશનના એક પીએસઆઇએ પોપ્યુલર પરિવારના આ પાપમાં ભાગીદાર હોય તેમ આ પુત્રવધુ ને ધમકાવીને કાઢી મૂકી હતી.
બિલ્ડર લોબીમાં ચર્ચા અનુસાર, ગત શનિવારે સાંજના સમયે માન્યામાં આવે નહીં એવો ઘટનાક્રમ બન્યો હતો. પોપ્યુલર પરિવારના એક યુવા વયના કમનસીબ પુત્રએ પરિવારના મોભીઓની જડતા ના કારણે નાની વયે હાર્ટ એટેકથી જિંદગી ગુમાવી હતી. આ યુવાનની વિધવા પુત્રવધુ પોતાનો હક માગવા માટે પોપ્યુલર બિલ્ડરની ઓફિસ પર પહોંચી હતી. પતિના દેહાંત પછી ભાગમાં આવતી જમીન વેચીને ગુજરાન ચલાવવા માટે પુત્રવધુએ હાલ જેલમાં રહેલા રમણ પટેલના પરિવાર પાસે સહાય માગી હતી. પોતાના હક અને અધિકારની જમીન વેચાણ માટે પરિવારની મંજૂરી લેવાની શાલીનતા બતાવનાર પુત્રવધુને કડવો વખ જેવો અનુભવ થયો હતો.
આ પુત્રવધુ શનિવારે સાંજે પોપ્યુલર બિલ્ડર ની ઓફિસે પહોંચી ત્યારે બોડકદેવ પોલીસ સ્ટેશનનો એક પીએસઆઇ ત્યાં હાજર હતો. પારિવારિક જમીનમાંથી પોતાના ભાગમાં આવતી જમીન બાબતે પુત્રવધુએ વાતચીત શરૂ કરી તો બિલ્ડરનો હનુમાન હોય એમ ખાખી વર્દીની આનબાન શાન ભૂલી પી.એસ.આઇ રોફ બતાવવા લાગ્યો હતો. “પોલીસની હાજરીમાં આવી વાત કરો છો” તેમ કહીને પીએસઆઇ એ આ મહિલાને કાયદાનો દમ મારી ડર બતાવવાની કોશિશ કરી હતી. માત્ર પૈસા માટે જીવતા પોપ્યુલર પરિવારના મોભીઓની મનોવૃત્તિ જાણતી પુત્રવધુએ પોતાના હક માટેની લડાઈમાં પાછા નહીં પડવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. પીએસઆઇએ આ મહિલાને પોલીસ બોલાવવાનો ડર બતાવ્યો ત્યારે રણચંડી બનીને મહિલાએ જ કહ્યું હતું કે – તમે મને કાયદો ન શીખવો, હું જ પોલીસ બોલાવું છું.
પોપ્યુલર પરિવારની આરતી ઉતારતા પી.એસ.આઇએ પોતાની વર્ધી ઉતરી જવાનો ડર લાગવાથી પોપ્યુલર બિલ્ડરની ઓફિસ છોડીને પોબારા ભણી જવું પડ્યું હતું. બિલ્ડર લોબીમાં એવી ચર્ચા છે કે, પોપ્યુલર પરિવાર ના ગુનાહિત ઇતિહાસ ખુલી રહ્યા છે ત્યારે અગાઉ એક પુત્રવધુ પરેશાન થઈ કાયદાના શરણમાં ગઈ હતી. આ વખતથી પોપ્યુલર પરિવારની પડતીની શરૂઆત થઈ હતી આમ છતાં પરિવારની પુત્રવધુના હક છીનવવાની મનોવૃત્તિ ધરાવતા મોભીઓની ખોરી દાનત સાથે એક પીએસઆઇ પોતાની વર્ધી અને કાયદાની રક્ષા કરવાનું પણ ચૂકી ગયા હતા. ચર્ચા તો ત્યાં સુધી છે કે પોપ્યુલર પરિવારની બીજી પુત્રવધુ હવે માત્ર પોપ્યુલર પરિવાર નહીં પણ કાયદાનો ખોટો ડર બતાવનાર પીએસઆઇ સામે પણ મોરચો માંડવાની તૈયારી કરી ચૂકી છે.
પોતાનો હક માંગતા અનેક અપમાનો સહન કરી ચૂકેલી મૃદુ સ્વભાવની પુત્રવધુ પોતાના હકની લડાઈનું બ્યુગલ ફૂંકી ચૂકી છે ત્યારે કાયદાના ભક્ષક બનેલા પીએસઆઇ ને પદાર્થ પાઠ શીખવવામાં ઉચ્ચ અધિકારીઓ સફળ રહેશે કે કેમ તે ચર્ચાનો વિષય છે. તો બીજી તરફ પોપ્યુલર બિલ્ડરની મદદે આવવામાં એક નિવૃત ips ના નામની પણ ચર્ચા છે. ઉચ્ચ સ્તરેથી વાસ્તવિક તથ્યો જાણી પોલીસ તંત્રની આબરૂ ખરડાતી બચાવવા કાર્યવાહી થાય તેવો ગણગણાટ આ ઘટનાની સાથે સાથે પોલીસ તંત્રમાં થઈ રહ્યો છે.