હું કઈ ના કહી શકું, મેડિસિટીમાં પૂછો. – ડો. જયપ્રકાશ મોદી, સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ
મારી જાણકારીમાં નથી, તપાસ કરાવીશ.- ડો. જયેશ સચદે, મેડિસિટી હેડ
આ બાબત મારા કંટ્રોલમાં નથી, સરકાર આ અંગે નિર્ણય કરી શકે છે.- ડો. પ્રણય શાહ, ડીન, બી.જે.મેડિકલ કોલેજ
અમદાવાદ: વાત આશ્ચર્યજનક છે પરંતુ હકીકત છે. એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલનો ગેટ નંબર 1 ગુમ થયો છે. 110 એકર વિસ્તારમાં ફેલાયેલી અમદાવાદ ની સિવિલ હોસ્પિટલના કુલ 5 ગેટ છે. પરંતુ તેનો ગેટ નંબર 1 ગુમ થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે આ અંગે “ધ મોબાઈલ ન્યુઝ” દ્વારા સિવિલ હોસ્પિટલ અને બી જે મેડિકલ કોલેજ ના અધિકારીઓ ને પૂછતાં તેઓ પણ ગલ્લા-તલ્લા કરતા ગે-ગે-ફે-ફે થઈ ગયા હતાં.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ એશિયા નું સૌથી મોટું મેડિકલ ફેસિલિટી ધરાવતું સંકુલ છે. સિવિલ કેમ્પસમાં સરકારી અને ટ્રસ્ટની જુદી 14 જેટલી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ છે. પરંતુ અહીં ટ્રસ્ટની હોસ્પિટલ દ્વારા સરકારી જગ્યાઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. પરિણામે સેવાના નામે સિવિલ હોસ્પિટલમાં ઘુસેલી ટ્રસ્ટની હોસ્પિટલો હવે ‘ઊંટ અને આરબ’ જેવો ઘાટ ઘડવામાં આવ્યો છે.
વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્રવેશવા માટે યુ એન મહેતા હોસ્પિટલ પાસે ગેટ નંબર 1, બી.જે મેડિકલ કોલેજમાં જવા માટે ગેટ નંબર 2, સિવિલ હોસ્પિટલ મુખ્ય બિલ્ડીંગ માં જવા ગેટ નંબર 3, ડેન્ટલ કોલેજ પાસે ગેટ નંબર 4 અને કેન્સર હોસ્પિટલ નજીક ગેટ નંબર 5 આવેલો છે.
જાણીને આશ્ચર્ય થશે, પરંતુ યુ એન મેહતા હોસ્પિટલ પાસે આવેલ ગેટ નંબર 1 હવે ગુમ થઈ ગયો છે. યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા ગેટ નંબર એક ને મનસ્વી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. યુ એન મહેતા હોસ્પિટલ ના કર્તા-ધર્તા દ્વારા ખૂબ ચલાકીપૂર્વક સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 1 ઉપર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર લખી દેવામાં આવ્યું છે. ગેટ સરકારી સિવિલ હોસ્પિટલનો અને માત્ર યુ.એન. મહેતા હોસ્પિટલ માટે ખુલે છે. બીજીબાજુ ગેટ નંબર 1 પાછળની બી.જે મેડિકલ કોલેજ તરફ જવા બાજુ મોટો લોખંડ નો દરવાજો બનાવી દેવામાં આવ્યો છે.
સૂત્રો કહે છે કે, યુ એન મહેતા હોસ્પિટલ ના કર્તા ધરતા બહુ મોટી રાજકીય વગ અને શાખ ધરાવે છે. હમણાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોના પોઝીટીવ થતા યુ એન મહેતા હોસ્પિટલમાં જ દાખલ થયા હતા.
જેથી બી.જે મેડિકલ કોલેજના વિધાર્થીઓ અને સ્ટાફ કે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ એ પણ ગેટ નંબર 2 થી જ આવવું જવું પડે છે. જો કોઈ દર્દી કે તેમના સગા સંબંધી કે મેડિકલ સ્ટુડન્ટસ ગેટ નંબર 1 થી પ્રવેશવા જાય તો યુ એન મહેતા હોસ્પિટલ ના સિક્યુરિટી ગાર્ડ ગેટ નંબર 1 થી કોઈને આવવા જવા દેતા નથી. જ્યારે હવે સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 1 ને યુ.એન મહેતા હોસ્પિટલમાં ભેળવી દઈ ત્યાં હવે યુ.એન.મહેતા હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો પાર્ક કરવામાં આવે છે.
સૌથી આચકારૂપ વાત એ છે કે, બી જે મેડિકલ કોલેજ કે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પણ આ બાબતે કોઈ વાંધો કે વિરોધ કરતા નથી. યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલનો આખે આખો ગેટ જ પચાવી પાડવામાં આવ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ના અધિકારીઓ નું મૌન યુ એન મહેતા દ્વારા કરવામાં આવેલા દબાણ ને સમર્થન આપે છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો જે.વી મોદીને પૂછતાં તેઓ કહે છે કે, “આ અંગે હું કઈ ન શકું, તમે મેડિસિટી સોસાયટી ના ડાયરેક્ટર ડો જયેશ સચદે ને પૂછો.’ બીજીબાજુ ડો સચદે આ અંગે અજાણ હોવાનું કહી તપાસ કરશે. એમ કહે છે.
સિવિલ હોસ્પિટલના જ એક અધિકારીએ જણાવ્યું છે કે, “યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા ગેટ નંબર 1 ઉપરાંત બી.જે મેડિકલ કોલેજ ની આગળની ઘણી જમીન ઉપર દબાણ કર્યું છે. જ્યાં હાલ યુ.એન મહેતા હોસ્પિટલ ના સ્ટાફનું વાહન પાર્કિંગ છે. યુ.એન મહેતા હોસ્પિટલમાં બૅઝમેન્ટ વાહન પાર્કિંગ ની જગ્યા હોવા છતાં બી.જે મેડિકલ કોલેજની જગ્યા ઉપરનું દબાણ કરાયું છે તે યુ એન મહેતા હોસ્પિટલ તંત્રની દબાણ ગિરી ની નીતિ સ્પષ્ટ કરે છે. પરિણામે કંઈક વિદ્યાર્થીઓ અને દર્દીઓને સિવિલ હોસ્પિટલનો ગેટ નંબર 1 હોવા છતાં મોટું રાઉન્ડ લઈને ગેટ નમ્બર 2થી આવવું જવું પડે છે.
બીજીબાજુ બી.જે મેડિકલ કોલેજના ડીન ડો પ્રણય શાહ ને પૂછતાં તેઓ કહે છે કે, ” આ બાબત મારા કંટ્રોલમાં નથી, સરકાર આ અંગે નિર્ણય કરી શકે છે.
Views 🔥