આત્મવિલોપન માટે પહોંચે તે પહેલાં પોલીસે અટકાયત કરી
પંકજ અને પી.આઈ સાથેની વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થઈ હતી
અમદાવાદ:
ગઈકાલે ચાંદખેડાના પી.આઇ ને ફોન કરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ન રમાય અન્યથા હું આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારનાર યુવકની આજે ગાંધીનગર એલ.સી.બીએ અટકાયત કરી લીધી છે.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે દહેગામ પાસેના એક ગામના વતની અને હાલ ગાંધીનગર રહેતા પંકજ પટેલ નામના એક યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પી.આઈને ફોન કરી અને જો સરકાર કોરોનાના કારણે એક કરતાં વધુ માણસોને એકઠા થવા માટે પરમિશન આપતી નથી તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારોની જનમેદની માટે પરમિશન આપી ? એમ કહી જો મેચ રમાશે તો પોતે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હતી જેના પગલે પોલીસે તેને શોધવા ગત રાતથી ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે ગાંધીનગર એલ.સી.બીએ અગમચેતીના પગલાં રૂપે તેની અટકાયત કરી ઇન્ફોસિટી પોલીસને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ યુવક અને પી.આઈ ની કથિત વાતચીતની ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.
વિજય રૂપાણીને ફેંટ મારી દઉં, પીઆઇ હસી પડ્યા
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંકજ પટેલે ફેંટ મારી દેવાની વાત ફોન પર કરી હતી. આ સાંભળી પીઆઇ કે.વી. પટેલ ખડખડાટ હસી પડ્યા હતા. આમ મુખ્યમંત્રીને કોઈ મારવાની વાત કરે અને પીઆઇ હસવા લાગતા પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
પંકજને ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે જામીન લેવડાવ્યા
પંકજ પટેલે આપઘાતની ધમકી ચાંદખેડા પીઆઇ પટેલને આપતા ઇન્ફોસીટી પોલીસે તે કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે માટે જામીન લેવડાવ્યા હોવાનું પીઆઇ પી પી વાઘેલાએ જણાવ્યું હતું.
Views 🔥