સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ ગોધરા ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બનતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
– નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ –
• કોરોનાના કસોટીભર્યા સમયનો રાજ્ય સરકારે મક્કમતાથી સામનો કર્યો છે
• કોરોનાની ઝંઝાવાતી બીજી લહેરમાં પણ ઉદ્યોગ-ધંધા-વેપારના વિકાસને ગતિશીલ રાખ્યો છે
• આપણે કોરોનાના માનસિક ભયમાંથી મુક્ત થવાનું છે સાથે કોરોનાની સાવચેતીઓ પણ રાખવાની છે
ગોધરા, તા. ૧૪ : સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે જિલ્લા પંચાયત ગોધરા ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહભાગી બન્યા હતા. ૭૫ માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ યોજાયેલા દેશભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમમાં ઉપસ્થિતો ભાવવિભોર બન્યાં હતા.
આ પ્રસંગે ગોધરાનાં બીઆરજીએફ ભવનનાં સભાગૃહમાં સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલએ જણાવ્યું કે, ભારત સરકાર તરફથી ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં નવી મેડીકલ કોલેજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, કલેક્ટરશ્રીએ જમીન પણ ફાળવી દીધી છે ત્યારે આ તમામ પ્રક્રિયાને આખરી મંજૂરી આપી ગોધરામાં નવી મેડીકલ કોલેજ ઝડપથી શરૂ થઇ જાય એ માટે આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી હાથમાં લીધી છે. ગોધરા સહિત રાજ્યમાં પાચ નવી મેડીકલ કોલેજો શરૂ કરવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ઠેરઠેર ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યાં છે, જેમાં ધારાસભ્યશ્રી-સાંસદશ્રીની ગ્રાન્ટ, દાતાઓનાં સહયોગ લેવાઇ રહ્યો છે. ગોધરામાં પણ સીવીલ હોસ્પીટલ ખાતે બે નવા ઓક્સિજન પ્લાન્ટ ઊભાં કરવામાં આવ્યા છે તેનાથી કોરોનાની ત્રીજી લહેરનો મજબુતાઇથી સામનો કરી શકાશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ભારત સરકારનાં માર્ગદર્શન મુજબ બધા જ જિલ્લાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે ત્યારે આપણે ગુજરાતી હોવાની પહેલા ભારતીય છે એ હંમેશા યાદ રાખવું જોઇએ. મહાત્મા ગાંધીજી-સરદાર પટેલ જેવા અનેક નામી-અનામી નેતાઓ, શહીદોના બલિદાનથી આપણને આઝાદી મળી છે. ત્યારે આઝાદીના અમુત મહોત્સવની ઉજવણી તમામ કોરોનાની સાવચેતીઓ સાથે કરવા નિર્ણય લેવાયો હતો.
તેમણે ઉમેર્યું કે, છેલ્લા દોઢ વર્ષથી કોરોના સર્વત્ર છવાયેલો રહ્યો છે અને આપણા માનસપટ પર પણ વિવિધ માધ્યમો થકી તેનો ડર છવાયો છે. કોરોનાના આ કપરાકાળમાં પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું દીર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ આપણને સાપડયું. તેમણે લોકડાઉન અને અનલોકના તબક્કાઓમાં કુશળતાથી મૂશ્કેલ સમયમાંથી માર્ગ કાઢયો. શ્રમિકોને વતન પહોંચતા કરવાના હોય કે નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન આપવાની હોય તેમણે દરેક પ્રશ્નોનો કુશળતાથી ઉકેલ આણ્યો. પ્રધાનમંત્રીશ્રીએ તાજેતરમાં જ દેશનાં ૮૦ કરોડ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે પાંચ કિલો અનાજ આપવાનો ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો.
તેમણે જણાવ્યું કે, કોરોનાના કસોટીભર્યા સમયમાં રાજ્ય સરકારે પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં યશસ્વી નેતૃત્વમાં કોરોનાની બંન્ને લહેરનો મક્કમતાથી સામનો કર્યો. ગત તા. ૭ ઓગસ્ટે મારા અને મુખ્યમંત્રીશ્રીના શપથ લીધાને ૫ વર્ષ પૂરા થયા છે ત્યારે આ પાંચ વર્ષમાં પૂર-વાવાઝોડા-કોરોના જેવા અનેક પડકારોનો નાગરિકોના સહયોગથી સામનો કર્યો છે અને કસોટીમાંથી પાર ઉતર્યા છે.
તેમણે કહ્યું કે, અત્યારે ગુજરાતમાં આખા દેશમાં ઓછામાં ઓછા કેસ એટલે કે માંડ વીસ-પચ્ચીસ કેસ નોંધાઇ રહ્યા છે. જયારે એક સમય હતો ગુજરાતમાં મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. બીજી લહેરમાં અનેક મૂશ્કેલ દોર આવ્યા પરંતુ જનસહયોગથી તેનો પણ મક્કમ મુકાબલો કર્યો. આ સમયે રાજ્ય સરકારે કડક કાયદાનો સહારો ન લઇને નાના વેપારીઓ-ઉદ્યોગકારો-ધંધાદારીઓ આ સમયમાં મોટી મદદ કરી છે અને તેમના વેપાર-ધંધાને બંઘ થવા દીધા નથી.
તેમણે જણાવ્યું કે, આપણે કોરોનાના માનસિક ભયમાંથી મુક્ત થવાનું છે, સાથે કોરોનાની સાવચેતીઓ પણ રાખવાની છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ તેનો જ એક ભાગ છે. આવા કાર્યક્રમથી આપણે આપણી મહાન સંસ્કૃતિ, ઇતિહાસ-વારસાનું જતન કરવાનું છે. તેને નવી પેઢીમાં સિંચવાનું છે. તે માટે આપણા આઝાદીનાં લડવૈયાઓને યાદ કરવાનો, શહીદોને યાદ કરવાનો આ ઐતિહાસિક અવસર છે.
૭૫ માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ દેશભક્તિથી ઓતપ્રોત પસ્તૃતી કરી હતી. ઉપસ્થિત નાગરિકોએ જુનાગઢમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલા કાર્યક્રમને પણ રસપૂર્વક નિહાળ્યો હતો.
આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર, સુશ્રી સુમનબેન ચૌધરી, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ, પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ, શ્રી ગોપાલસિંહ, રેન્જ આઇજી શ્રી એન.એસ. ભરાડા, પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મહિપાલસિંહ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.