છેલ્લા એક વર્ષથી ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં સીસીટીવી કેમેરા બંધ
નાગરિકોની સુરક્ષા સાથે ચેડાં, મેન્ટેનસના આભાવે કેમેરા બંધ…
અમદાવાદ: છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં ગુનાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ત્યારે પોલીસ મોટાભાગના ગુનામાં પગેરું શોધવા માટે સ્થાનિક સીસીટીવી કેમેરાના ફૂટેજ હાથ ધરી તપાસ કરે છે અને ઘણા કિસ્સાઓમાં ગુનેગારો સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઇ જાય છે. ત્યારે અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. છેલ્લા એક વર્ષથી મરામતના અભાવે સીસીટીવી કેમેરા બંધ હોવાનું પોલીસ પોતે સ્વીકારી રહી છે.
ગોમતીપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાર અલગ અલગ સ્થળો ઉપર સીસીટીવી લગાવવામાં આવ્યા હતા જેથી પોલીસની ત્રીજી આંખ સતત ગુનેગારો ઉપર નજર રાખે. જેમાં કાલિદાસ ચાર રસ્તા, મરિયમબીબી ચાર રસ્તા, રાજપુર ટોલનાકા અને કામદાર મેદાન ત્રણ રસ્તા પાસે કેમેરા હતા પરંતુ આ તમામ કેમેરા મેન્ટેનસના અભાવે બંધ હાલતમાં છે. ત્યારે કાયદા અને વ્યવસ્થાની નીતિ ઉપર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.
અજયકુમાર નામના સામાજિક કાર્યકર્તા દ્વારા માહિતીના અધિકાર અંતર્ગત ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા બાબતે આરટીઆઇ કરી જેના જવાબમાં ગોમતીપુર પોલીસ દ્વારા આ ચોંકાવનારી માહિતી આપવામા આવી. છેલ્લા એક વર્ષથી વિસ્તરના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે ત્યારે ગોમતીપુર પોલીસે ઇપીકો 188 હેઠળ 1091 ગુનાઓ નોંધ્યા છે. જ્યારે દારૂના ગુનાઓમાં બદનામ વિસ્તરમાં છેલ્લા એક વર્ષમાં અંગ્રેજી દારૂના 48 ગુનાઓ જેમાં ગુનાઓમાં 1851 અંગ્રેજી દારૂની બોટલો બરામદ કરવામાં આવી છે જ્યારે દેશી દારૂના 168 ગુનાઓ નોંધી 60340 લીટર દારૂ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.
ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધતી ગુનાખોરી અને સીસીટીવી બંધ હોવા બાબતે આરટીઆઇ કાર્યકર્તા અજય કુમારએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા જાણી જોઈને સીસીટીવી કેમેરા મેન્ટેન કરવામાં આવતા નથી. ક્યાંક ને ક્યાંક ગુનેગારો અને પોલીસની મિલીભગતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. પોલીસ ઈચ્છે તો કોઈ વ્યક્તિના ચપ્પલ પણ ના ચોરાય. પરંતુ અહીં પોલીસે સીસીટીવી મેન્ટેન ના કરીને જાણી જોઈને ગુનેગારો પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે.