નવરંગપુરા વિસ્તારમાં કુરિયરની ઓફિસમાં નોકરી કરતા કર્મચારીની નજર ચૂકવી ચોર એક્ટિવાની ડેકીમાંથી લાખો રૂપિયા લઈ ફરાર થઈ ગયો
અમદાવાદ:૦૨’૦૯’૨૦૨૨
છેલ્લા કેટલાક સમયથી સરનામું પૂછવાના બહાને નજર ચૂકવીને ચોરી કરતી ગેંગનો આતંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક પછી એક આવા બનાવો સામે આવી રહ્યા છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં કુરિયરની ઓફિસમાં નોકરી કરતા કર્મચારીની નજર ચૂકવી ગઠિયો એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા ત્રણ લાખ લઈ ફરાર થઈ ગયો છે.
આશ્રમ રોડ પર આવેલી કુરિયર કંપનીમાં નોકરી કરતા ચિરાગભાઈ વ્યાસ ગઈકાલે સાંજના સમયે આશ્રમ રોડ ચિનુભાઈ ટાવરમાં આવેલી પી વિજય પેઢીમાંથી રૂપિયા બે લાખ અને અન્ય એક આંગડિયા પેઢીમાંથી રૂપિયા એક લાખ એમ ત્રણ લાખ રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂકીને ઓફિસ જઈ રહ્યા હતા. તે દરમિયાન ફોન આવતા તેઓ ઓફિસની બહાર જાહેર રોડ પર ફોન પર વાત કરી રહ્યા હતા, ત્યારે મોટર સાયકલ પર આવેલા બે શખ્સોએ પાછળથી બૂમ પાડીને તેમને બોલાવ્યા હતા.
ફરિયાદી ફોન પર વાત કરતાં તેમની પાસે ગયા ત્યારે મોટર સાયકલ પર બેસેલો એક શખ્સ નીચે ઉતરીને ફરિયાદીની એક્ટિવા તરફ ચાલવા લાગ્યો હતો. જ્યારે બીજા વ્યક્તિએ ફરિયાદીને પૂછ્યું હતું કે, પાલડી ક્યાંથી જવાય? જેથી ફરિયાદી તેમને રસ્તો બતાવતા હતા. તે દરમિયાન મોટર સાયકલચાલક એક્ટિવા તરફ જવા લાગ્યો હતો. આ દરમિયાન ફરિયાદીએ જોયું તો એક શખ્સ એક્ટિવાની ડેકી ડુપ્લિકેટ ચાવીથી ખોલવાનો પ્રયાસ કરતો હતો. જેથી ફરિયાદી પણ એક્ટિવા તરફ ગયા હતા પરંતુ એ દરમિયાન આ ચોરો ડેકી ખોલીને તેમાંથી રૂપિયા ત્રણ લાખ લઈને મોટર સાયકલ પર ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.