ગ્રામ્ય પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ક્વાર્ટરના 10માં માળેથી કૂદી જઈ આપઘાત કર્યો
રાજકોટ: રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 23 વર્ષીય ભાર્ગવ બોરીસાગર નામના કોન્સ્ટેબલે 10મા માળેથી નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ બુધવારના રોજ બન્યો હોવાનું સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ થતા ભાર્ગવ બોરીસાગરનો જેતપુર રહેતો પરિવાર રાજકોટ ખાતે આવી પહોંચ્યો હતો. તેમજ બનાવવાની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા એફએસએલ અધિકારીઓની મદદ પણ લેવામાં આવી હતી. ભાર્ગવ બોરીસાગર દ્વારા આત્મહત્યા કરતા પૂર્વે કોઈ સ્યૂસાઈડ નોટ લખવામાં આવી છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાર્ગવ બોરીસાગર રાજકોટ ગ્રામ્ય પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. દોઢ મહિના પૂર્વે જ ભાર્ગવ બોરીસાગરની જેતપુરથી રાજકોટ ખાતે બદલી થઈ હતી. તેમજ વર્ષ 2017-18માં લોકરક્ષક તરીકે ભરતી થયો હોવાનું સામે આવ્યું છે. સાથે જ પાંચ મહિના પૂર્વે જ ભાર્ગવ બોરીસાગરના લગ્ન થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે કયા કારણોસર ભાર્ગવ બોરીસાગર દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.