સુરતની સેશન્સ કોર્ટે ઉઘડતી અદાલતે જ એક જ વાકયમાં રાહુલ ગાંધીની આશા પર પાણી ફેરવી દીધુ

હવે હાઈકોર્ટમાં કાનુની જંગની તૈયારી: લોકસભા સભ્યપદ પણ તાત્કાલીક બહાલ નહી થાય
મોદી અટક માનહાનિ કેસ: રાહુલ ગાંધીને રાહત નહીં, સજા રદ કરવાની અપીલ કોર્ટે ફગાવી
મોદી અટક બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા વિરુદ્ધની અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. નીચલી કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી. આજે સુરત સેશન્સ કોર્ટ ખુલતાની સાથે જ અદાલતે એકજ વાક્યમાં રાહુલ ગાંધીના લોકસભા સભ્ય પદની તમામ આશાઓ ઉપર પાણી ફેરવી દીધું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી અટક’ વિષેના નિવેદન બદલ સુરતની જીલ્લા અદાલતે દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણય પર પ્રતિબંધ મૂકવા માટે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે ગયા ગુરુવારે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી જીતીને સાંસદ બન્યા હતા. 23 માર્ચે સુરતની કોર્ટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જેના એક દિવસ બાદ તેમને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. જો આજે દોષિત ઠેરવવા અને સજા પર સ્ટે મુકાયો હોત તો રાહુલ ગાંધીની લોકસભાની સભ્યતા પુનઃસ્થાપિત થઈ શકી હોત.