ત્રિરંગાની આન-બાન-શાન સિવિલ હોસ્પિટલમાં લહેરાવી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ૭૨માં પ્રજાસત્તાક દિને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે વી મોદી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામા આવી હતી. કોરોના કાળમાં વર્ષના પ્રારંભે જ્યારે કોરોના અંતની શરૂઆત થઇ છે ત્યારે તબીબોએ ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી કરીને સકારાત્મકતાનો સંદેશો પાઠવ્યો હતો.
આ પ્રસંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી. મોદીએ જણાવ્યું હતું કે “કોરોના કાળમાં થઈ રહેલ 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સવિશેષ છે. સમગ્ર વર્ષ ૨૦૨૦ દરમિયાન સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે એક જૂથ થઈ કોરોના સામે લડત આપી બાથ ભીડી હતી. જેના પરિણામ સ્વરૂપ આજે કોરોના સામેની મોટા ભાગની જંગ જીતવામાં સિવિલ હોસ્પિટલ સફળ રહી છે.કોરોના રસીકરણની જ્યારે શરૂઆત થઇ છે તેવા સમયે હજુ થોડું ધીરજ રાખીને સરકારી તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને એ જ જોમ અને જુસ્સાથી લડતને આગળ ધપાવી સકારાત્મક પરિણામ સુધી લઈ જવા માટે ઉપસ્થિત તમામ લોકોને ડૉ. જે.વી.મોદીએ સંદેશો આપ્યો હતો.
૭૨ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા, સિનિયર તબીબો, નર્સિંગ,પેરામેડિકલ સ્ટાફ, સિક્યુરીટી કર્મીઓ,સફાઇ કર્મીઓએ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરી હતી.