અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં રસીકરણ પૂર્ણ કરાવી સલામતીનો સંદેશ આપ્યો
કોરોના રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે: નિર્ભયપણે રસીકરણ કરાવો- ડૉ.કેતન દેસાઈ
કોરોના રસીકરણના બીજા ડોઝ આપવાની શરૂઆત થઇ છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના જુના ટ્રોમા સેન્ટરમા બનેલ કોરોના રસીકરણ કેન્દ્રમાં તબીબી જગતના વિખ્યાત તબીબ અને વર્લ્ડ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડૉ.કેતન દેસાઈ અને તેમના પત્ની ગાયનેકોલોજિસ્ટ ડૉ.અલ્કા દેખાઈએ આજે કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવ્યો હતો.
કોરોના રસીકરણનો બીજો ડોઝ લીધા બાદ ડોક્ટર કેતન દેસાઈએ કહ્યું કે “કોરોના મહામારીનો અંત લાવવા, કોરોનાવાયરસને નાથવા અને તેનાથી સુરક્ષિત થવા માટે કોરોના રસીકરણનો ડોઝ મેળવવો ખૂબ જ આવશ્યક છે”.
તેઓએ તમામ હેલ્થ વર્કર, કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોનાની રસી લેવા માટે અનુરોધ કરતા કહ્યું કે “ભારત દેશમાં બનેલી બંને કોરોના વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. જેથી સ્વદેશી વેક્સિનમાં સંપૂર્ણપણે વિશ્વાસ રાખીને કોરોના રસીકરણને દેશવ્યાપી ઝુંબેશ બનાવી તમામ નાગરિકોએ વેક્સિન લેવી જોઈએ”.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ રાજયવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહા અભિયાનમાં ડૉ. કેતન દેસાઈ સહિતના અગ્રીમ હરોળના વિખ્યાત તબીબોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. 28 દિવસ બાદ આજે કોરોના રસીકરણનું બીજો ડોઝ મેળવીને વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો.
આજના વેક્સિનેશન કાર્યક્રમ પ્રસંગે IMA ના પ્રમુખ ડૉ.અનિલ નાયક , સોલા સિવિલ હોસ્પિટલના ડીન ડૉ.નિતિન વોરા , જી.સી.એસ હોસ્પિટલ ડીન ડૉ.વાય.એસ.મોદી, રાજકોટ શહેરના ખ્યાતનામ તબીબ ડોક્ટર ભાવિન કોઠારી તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્યો, ગુજરાત યુનિવર્સિટીની ફેકલ્ટી ડોક્ટર મહેશ પટેલ,સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા .