પીએમ મોદીની ગુજરાત માટે રૂપિયા ૧૦૦૦ કરોડના પેકેજની જાહેરાત, મૃતકોના પરિવારને રૂપિયા ૨ લાખની સહાય આપવામાં આવશે
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના હવાઈ નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું.
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત માટે ૧૦૦૦ કરોડના પેકેજની કરી જાહેરાત
ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું કર્યું હવાઈ સર્વેક્ષણ
અમદાવાદ આવીને ગુજરાત માટે કરી સહાયની જાહેરાત
મૃ઼તકોના પરિવારજનોને મળશે રૂપિયા ૨ લાખ
વાવાઝોડામાં ઘાયલ થયેલા લોકો માટે ૫૦ હજારની સહાય
તૌકતેનો સૌથી વધારે ભોગ બનેલા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું હવાઈ સર્વેક્ષણ કર્યાં બાદ પ્રધાનમંત્રીએ ગુજરાત માટે ૧૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.
મૃતકોના પરિવારને ૨ લાખની સહાય
વાવાઝોડામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને ૨-૨ લાખની તથા ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોના આકલન માટે એક કેન્દ્રીય ટીમ પણ ગુજરાત આવશે અને જાત માહિતી મેળવીને સરકારને રિપોર્ટ આપશે. સર્વે માટે એક ટીમ પણ ગુજરાત આવશે.
ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં ૩૦૦૦ કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજે ૧૪૦૦ કરોડનું નુકસાન થયું છે. ત્યારે કૃષિ ક્ષેત્રમાં ૧૨૦૦ કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં ૧૩૮૦૦ હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા ૬૦ કરોડનું નુકસાન થયું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે ૫૦ કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં ૩૫૦ કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં જાનમાલની નુકસાની
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં જે વિનાશ સર્જો તેમાં જાનમાલનું પણ નુકશાન થયું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે કુલ ૪૫ લોકોના મોત થયા છે. અનેક જગ્યાએ મકાનો, વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે અનેક પશુઓના પણ મોત થયા છે.