રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
રાજ્યોની જુદી જુદી જેલોની યોગ્ય સલમાતી અને સંચાલન માટે હથિયારી PI ઓને પોસ્ટિંગ અપાશે, સાબરમતી જેલથી શરૂઆત!
રાજ્યોમાં આવેલી જૂદી જૂદી જેલોના યોગ્ય સંચાલન અને સલામતી માટે રાજ્ય સરકારે પ્રથમ વખત હથિયારી પીઆઈઓને પોસ્ટિંગ આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૃપે ૧૨ હથિયારી પીઆઈને જેલના મેન્યુઅલ અને સલામતી બાબતો અંગે ટ્રેનિંગ આપીને સાબરમતી જેલમાં પોસ્ટિંગ અપાયું છે. જેલરોની જગ્યા ભરવા માટેની ધીમી ભરતી પ્રક્રિયા સામે નવી જેલો તૈયાર થઈ રહી હોવાથી રાજ્યની વિવિધ જેલમાં અધિકારીઓની ઘટ પડી રહી હતી.
જેથી જેલ સત્તાવાળાઓ તરફથી હથિયારી પીઆઈઓને જેલોમાં પોસ્ટિંગવની માગ કરતા રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. આ મુજબ જે હથિયારી પીઆઈ બે વર્ષ માટે જેલમાં ફરજ બજાવવા તૈયાર હોય તેઓને પોસ્ટિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યની વિવિધ જેલોમાં સામાન્ય રીતે જેલર અને સિપાઈની અલગથી ભરતી કરી તેઓને નિમણૂક અપાતી હતી. સરકાર જેલ સત્તાવાળાઓની માગણી મંજૂર રાખીને હથિયારી પીઆઈઓને મૂકવાનો નિર્ણય લીધો છે. હથિયારી પીઆઈ જેલમાં બે વર્ષ સુધી ફરજ બજાવી શકશે બાદમાં તેઓને જેલમાંથી ટ્રાન્સફર આપી જે તે પોલીસ સ્ટેશન કે એજન્સીમાં મુકાશે. જે હથિયારી બે વર્ષ માટે જેલમાં ફરજ બજાવવા તૈયાર હોય તેણે જ જેલમાં પોસ્ટિંગ આપવું તેવો નિર્ણય લેવાયો છે. સાબરમતી સહિત રાજ્યની વિવિધ જેલોમાં કેદીઓ દ્વારા ફરાર થવા માટે અવનવા અખતરા કરાયાના કિસ્સા તેમજ કેદીઓ વચ્ચે જેલમાં મારામારીની અનેક ઘટનાઓ બની ચૂકી છે. જેલની અંદર થતાં ગુનાઓ પર પકક્ડ મેળવવામાં હથિયારીઓની પીઆઈઓની નિમણૂકથી સફળતા મળશે તેવી આશા જાગી છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ફરાર થવા ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટમાં પકડાયેલા આતંકીઓએ ૨૦૦ ફૂટથી વધુની સુરંગ ખોદી હતી. મહીનાઓ સુધી સુરંગ ખોદાતી રહી ત્યાં સુધી જેલના ઉચ્ચ અધિકારીઓ અંધારામાં રહ્યા હતા. સાબરમતી જેલ સહિત વિવિધ જેલોમાં મોબાઈલ ફોન પણ ઘુસાડવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ બની છે. આ તમામ ગેરકાયદે પ્રવૃત્તી પર અંકુશ મેળવવામાં કઈક અંશે હથિયારી પીઆઈઓ સફળ થશે તેવું ઉચ્ચ અધિકારીઓ માને છે.