રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ પોલીસ અધિકારીઓની બદલીઓની ફાઈલ તૈયાર કરવામાં આવી હતી પણ અમદાવાદની રથયાત્રાને લીધે બદલીઓ કરવામાં આવી નહતી. ત્યારબાદ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઊજવણીના કાર્યક્રમોમાં સરકાર વ્યસ્થ બની હતી. હવે પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરોની સામૂહિક બદલી તોળાઇ રહી છે જેમાં એસપીથી ડીઆઇજી અને આઇજી રેન્કના ઓફિસરો બદલાય તેવી સંભાવના છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં 30થી વધુ આઇપીએસ ઓફિસરો બદલાશે. આ મહિનાના અતં સુધીમાં ઓર્ડર થાય તેવી સંભાવના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વહીવટી તંત્રમાં તેમજ જિલ્લા વહીવટી તંત્રમાં થયેલી બદલીઓ પછી હવે પોલીસમાં પણ ફેરફારો તોળાઇ રહ્યાં છે.
વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને આ ફેરફારો થાય તેવી સંભાવના છે. કેટલાક પોલીસ અધિકારીઓએ કેબિનેટના મંત્રીઓ સમક્ષ લોબિંગ શરૂ કરી દીધું છે. આ બદલીમાં જિલ્લાના એસપી રેન્કથી ડીઆઇજી અને આઇજી ઉપરાંત પોલિસ કમિશનરેટરમાં પણ ફેરફાર સંભવ છે. નોંધનીય છે કે હરિકૃષ્ણ પટેલની સેવા નિવૃત્તિ પછી વડોદરા રેન્જના ડીઆઇજીનું પદ ખાલી પડ્યુ છે. આ ફેરફારમાં નવા ડીઆઇજી વડોદરા રેન્જને મળી શકે છે.
આ ઉપરાંત એપ્રિલ મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોના ચીફ કેશવકુમાર પણ નિવૃત્ત થયા હતા તેથી આ જગ્યાએ પણ નવા આઇપીએસ ઓફિસર નિયુકત થશે. આ જગ્યાએ સંજય શ્રીવાસ્તવનું નામ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના 22થી વધુ જિલ્લાના એસપી પણ બદલાય તેવી શકયતા છે પોલીસ ઓફિસરોની બદલીમાં અનેક અટકળો ચાલી રહી છે જેમાં સુરત શહેરના નવા પોલીસ કમિશનરની રેસમાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સૌથી આગળ છે. રાજકોટમાં હોવાના કારણે અગ્રવાલ મુખ્યમંત્રીની નજીક માનવામાં આવે છે. સુરત પોલીસ કમિશનર માટે બીજું નામ સુરત રેન્જના આઇજી રાજકુમાર પાંડિયનનું સામે આવ્યું છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં જ રહેવા માગે છે. પાંડિયન છેલ્લા ચાર વર્ષથી સુરત રેન્જના આઇજી છે.
પોલીસના સૂત્રો અનુસાર પાંડિયને તેમની બદલી માટે ભાજપના ટોચના એક નેતાનો સંપર્ક કર્યેા છે. અલબત્ત, રાજકોટના વધુ એક અધિકારી સંદીપ સિંઘને વડોદરા રેન્જમાં મૂકવામાં આવે તેવી શકયતા છે. જો કે તેમની બદલી થાય તો રાજકોટમાં કોણ આવે છે તે મહત્વનું છે. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને પણ બદલવાના થાય છે જેમાં સૌથી ટોચક્રમે આઇપીએસ અજય તોમરની સંભાવના વધી છે.